ઉત્તર પ્રદેશમાં વાહન ચલાવતા સમયે મોબાઈલ પર વાત કરવી હવે મોંઘી થશે. જો તમે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચલાવતા મોબાઇલ પર વાત કરતા પકડાશો તો પ્રથમ વખત 1 હજાર રૂપિયા અને બીજી વારમાં 10 હજાર રૂપિયાનો દંડ થશે. ઉત્તર પ્રદેશ મોટર વાહન નિયમો અંતર્ગત વધેલા દરે દંડ લાદવાનો સરકારનો આદેશ ગુરુવારે જારી કરવામાં આવ્યો હતો. સરકારના આદેશ મુજબ હવે હેલ્મેટ વિના રૂ. 1 હજાર, પાર્કિંગના ઉલ્લંઘન કરવા પર પ્રથમ વખત રૂ. 500 અને બીજી વખત રૂ. 1,500 નો દંડ થશે. તે જ સમયે, સીટ બેલ્ટ વિના કાર ચલાવવા પર 1 હજાર રૂપિયાનો દંડ અને લાયસન્સ વિના વાહન ચલાવવું અથવા માન્ય લાઇસન્સ વિના 14 વર્ષથી ઓછી વયના બાળકને ગાડી ચલાવવા પર પાંચ હજાર રૂપિયા દંડ થશે.
અધિકારીની વાત ન માની કામમાં અવરોધ બદલ 2 હજાર રૂપિયા સુધીની થશે સજા
અધિકારીની વાત ન માનવા પર અને કામમાં અવરોધ પેદા કરવા બાબતે અગાઉ રૂપિયા 1,000 દંડ લેવાતો હતો જે વધારીને રૂ. 2,000 કરવામાં આવ્યો છે. ડ્રાઇવિંગ લાઇસન્સ વિશે ખોટી માહિતી આપવા બદલ 10 હજાર દંડ ભરવો પડશે. ફાયર બ્રિગેડના વાહન અને એમ્બ્યુલન્સને રસ્તો ન આપીને અવરોધ કરવા બદલ 10 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત ઝડપી કાર ચલાવવા બદલ દંડ બે હજાર રૂપિયા અને કોમર્શિયલ વાહનો માટે આ દંડ 4 હજાર રૂપિયા હશે. જો કોઈ અપંગ વ્યક્તિ વાહન ચલાવે છે, તો દંડ પ્રથમ વખત 1 હજાર રૂપિયા અને બીજી વખત 2 હજાર રૂપિયા થશે. ટુ વ્હીલર ઉપર ત્રણ સવારી અથવા વધુ માટે 1 હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે.
પ્રતિબંધિત વિસ્તારમાં હોર્ન વગાડવો પણ મોંઘો પડશે
પ્રતિબંધિત શાંત વિસ્તારોમાં હોર્ન વગાડવા બદલ પ્રથમ વખત 1 હજાર રૂપિયા અને બીજી વખત બે હજાર રૂપિયા દંડ થશે. વીમા વિના વાહન ચલાવવા રક પ્રથમવાર રૂ .2000 અને બીજી વખત 4,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. રાજ્ય સરકારે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે નિયમો કડક કર્યા છે.
સસ્પેન્ડેડ વાહનો ચલાવવા બદલ 10 હજાર રૂપિયા સુધીનો થઈ શકે છે દંડ
એ જ રીતે વાહનનું મોડેલ બદલવામાં આવે તો ઉત્પાદક અને વેપારીએ વાહન દીઠ એક લાખનો દંડ ભરવો પડશે. જો વાહન માલિક મોટર વાહનના નિયમોની વિરુધ્ધ વાહનમાં બદલાવ કરશે તો પાંચ હજાર રૂપિયા દંડ થશે. જો તમે રાજ્ય સરકારની પરવાનગી વિના કોઈ રેસ અથવા ટ્રાયલમાં ભાગ લેશો તો તમારે પ્રથમ વખત 5 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જો તમે બીજી વખત પરવાનગી વિના કોઈ રેસ અથવા ટ્રાયલમાં ભાગ લેશો તો તમારે રૂ. 10 હજારનો દંડ ભરવો પડશે. જો કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને વાહન ચલાવે છે, તો રૂ. 10 હજારનો દંડ થશે. રજિસ્ટ્રેશન વગરના અને સસ્પેન્ડેડ વાહન ચલાવવાના કેસમાં પ્રથમ વખત 5,000 રૂપિયા અને બીજી વખતમાં રૂપિયા 10 હજારનો દંડ થશે.