નવી દિલ્હી : ઇસ્લામાબાદ હાઈકોર્ટે કુલભૂષણ જાધવ કેસમાં સુનાવણી 3 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે ભારતે તેમના માટે વકીલ રાખવાનો સમય મળવો જોઈએ. જોકે, વકીલ પાકિસ્તાનનો હોવો જોઈએ. હાઇ કોર્ટે સરકારને જાધવ કેસમાં ભારતીય અધિકારીને કાનૂની પ્રતિનિધિની નિમણૂક કરવાની મંજૂરી આપવા જણાવ્યું છે. કોર્ટ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા પાકિસ્તાનના એટર્ની જનરલ ખાલિદ જાવેદે કહ્યું કે કોર્ટે ભારતીય અધિકારીઓને કુલભૂષણ જાધવ કેસમાં વકીલ રાખવાની મંજૂરી આપી છે પરંતુ તે ભારતીય નહીં હોય.
તેમણે કહ્યું, ‘કોર્ટે કહ્યું છે કે જો આપણે વકીલને બદલવા માંગતા હોય કે ભારત સરકાર પોતે આમાં કોઈ સલાહ આપવા માંગે છે, તો તે આપી શકે છે.’
આ પહેલા ઇમરાન ખાન સરકારે કુલભૂષણ જાધવ માટે વકીલની નિમણૂક કરવા ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં, પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (આઈસીજે) ના નિર્ણયને અમલ કરવા વકીલની નિમણૂક કરવાની મંજૂરી માંગી હતી. જોકે, અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જાધવ ભારતની મદદ વિના વકીલ કરી શકતા નથી.