04.08.2020
Text Box: • ભારતમાં હવે સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસો કરતાં બમણી થઇ ગઇ.
• કુલ સાજા થયેલાનો આંકડો 12.3 લાખ કરતાં વધારે; સાજા થવાનો દર વધીને 66.31% થયો.
• ભારતમાં મૃત્યુદર વધુ ઘટીને 2.1% નોંધાયો.
• છેલ્લા 24 કલાકમાં 6.6 લાખથી વધુ સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું.
• 28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટીવિટી દર 10% કરતાં ઓછો.
ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા હાલમાં સક્રિય કેસો કરતા બમણી થઇ; હાલમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 12.3 લાખ કરતા વધુ થયો; સાજા થવાનો દર વધીને 66.31% થયો; દેશમાં મૃત્યુદર વધુ ઘટીને 2.1% સુધી પહોંચ્યો
ભારતમાં કોવિડ-19માંથી 12,30,509 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી હવે સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે સક્રિય કેસો કરતાં બમણી થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 44,306 દર્દીને રજા આપવામાં આવી હતી. આ સાથે દેશમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર પણ નોંધપાત્ર રીતે વધીને 66.31% સુધી પહોંચી ગયો છે. હાલમાં સક્રિય કેસો (5,86,298)ની સંક્યા કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 31.59% છે અને તમામ દર્દીને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ભારતમાં પ્રથમ વખત લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો ત્યારથી આજદિન સુધીમાં સૌથી ઓછો મૃત્યુદર (CFR) નોંધાયો છે. વૈશ્વિક સરેરાશની સરખામણીએ ભારતમાં મૃત્યુદર ઘટીને 2.10% થઇ ગયો છે. વર્તમાન ડેટામાં મૃત્યુદરનું વિશ્લેષણ સૂચવે છે કે, 50% દર્દીઓનાં મૃત્યુ 60 વર્ષ અને તેથી મોટી ઉંમરના દર્દીઓના થયા હતા; 37% મૃત્યુ 45 થી 60 વર્ષની વચ્ચેના ઉંમર સમૂહમાં; જ્યારે 11% મૃત્યુ 24 – 44 વર્ષની ઉંમરના સમૂહમાં નોંધાયા છે. જાતિ અનુસાર વિતરણ જોઈએ તો, કુલ મૃત્યુ પામનારાઓમાંથી 68% પુરુષો અને 32% મહિલાઓ છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 6.6 લાખ કરતાં વધારે સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું; 28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક સરેરાશ પરીક્ષણની સંખ્યા 140 કરતાં વધારે; 28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટીવિટી દર 10% કરતાં ઓછો
છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 માટે 6,61,892 જેટલી વિક્રમી સંખ્યામાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે દેશમાં આજદિન સુધીમાં કોવિડ માટે થયેલા કુલ પરીક્ષણનો આંકડો 2,08,64,750 સુધી પહોંચી ગયો છે અને પ્રત્યેક દસ લાખની વસ્તીઓ પરીક્ષણ (TPM) 15,119 થઇ ગયા છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક સરેરાશ પરીક્ષણની સંખ્યા 479 છે જ્યારે 28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક સરેરાશ પરીક્ષણની સંખ્યા WHO દ્વારા સૂચિત કરવામાં આવેલા 140 પરીક્ષણો કરતા વધારે છે. ભારતમાં આજની સ્થિતિ અનુસાર પોઝિટીવિટી દર 8.89% છે. 28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટીવિટી દર 10% કરતાં ઓછો નોંધાયો છે જે સૂચવે છે કે, પરીક્ષણની વ્યૂહનીતિ સાચી દિશામાં આગળ વધી રહી છે. કેન્દ્ર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા પોઝિટીવિટી દર સુધારીને 5% સુધી લઇ જવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. દૈનિક 10 લાખ પરીક્ષણો કરવાના લક્ષ્ય સાથે, દેશમાં પરીક્ષણની ક્ષમતાના નેટવર્કમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં દેશમાં પરીક્ષણની લેબોરેટરીના નેટવર્કમાં કુલ 1356 લેબોરેટરી થઇ ગઇ છે જેમાંથી 917 લેબોરેટરી સરકારી ક્ષેત્રની જ્યારે 439 લેબોરેટરી ખાનગી ક્ષેત્રની છે.
આસામમાં હવે 24/7 દૂરદર્શનનો પ્રારંભ
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હી ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દૂરદર્શન આસામનો પ્રારંભ કર્યો છે જે રાજ્યમાં 24 કલાક સમર્પિત ચેનલ છે. આ પ્રસંગે સંબોધન આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “આ ચેનલ આસામના લોકો માટે એક ભેટ છે અને આ ચેનલ આસામમાં વસતા તમામ વર્ગોની કાળજી રાખશે અને તે અત્યંત લોકપ્રિયતા મેળવશે.” માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અમિત ખારેએ જણાવ્યું હતું કે, આસામ રાજ્ય પૂર્વોત્તરનું પ્રવેશદ્વાર છે અને પૂર્વોત્તર પ્રદેશ આસિયાન દેશોનું પ્રવેશદ્વાર છે. આ રાજ્ય ભારત અને આસિયાન દેશો વચ્ચે શ્રેષ્ઠ જોડતી કડી છે. પ્રવર્તમાન કોવિડ-19 કટોકટીના સમય દરમિયાન, વચગાળાના પગલાં તરીકે, પૂર્વોત્તરના રાજ્યોમાંથી ચોવીસ કલાકના ધોરણે આવતી ચેનલોમાંથી અપલિંકિંગ કરવાં આવ્યું છે. એપ્રિલ 2020થી ડીડી નાગાલેન્ડ, ડીડી ત્રિપુરા, ડીડી મણિપુર, ડીડી મેઘાલય, ડીડી મિઝોરમને ડીડી ન્યૂઝ/ ડીડી ઇન્ડિયાની સ્ટ્રીમ્સનો ઉપયોગ કરીને મર્યાદિત કલાકોની ચેનલોમાંથી હંગામી ધોરણે 24×7 ધોરણે ચાલતી ચેનલોમાં રૂપાંતરિત કરવામાં આવી છે. હાલમાં આ તમામ ચેનલોનો કેન્દ્રો મર્યાદિત સંસાધનો ધરાવતા હોવાથી ડીડી ન્યૂઝ/ડીડી ઇન્ડિયાની સ્ટ્રીમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભારતીય સૈન્યમાં મહિલા અધિકારીઓની કાયમી નિયુક્તિને મંજૂરી: સૈન્ય હેડક્વાર્ટર દ્વારા અરજીઓ દાખલ કરવા અંગે વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી
ભારતીય સૈન્યમાં મહિલા અધિકારીઓની કાયમી નિયુક્તિ (PC) માટે સરકાર દ્વારા ઔપચારિક મંજૂરી આપવામાં આવી હોવાથી, સૈન્યના હેડક્વાર્ટર દ્વારા કાયમી નિયુક્તિની મંજૂરી આપવા માટે મહિલા અધિકારીઓની તપાસ માટે સ્પેશિયલ નંબર 5 પસંદગી બોર્ડ બોલાવવાની પક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે, તમામ સંબંધિત મહિલા અધિકારીઓને વિગતવાર વહીવટી સૂચનાઓ મોકલી દેવામાં આવી છે જેમાં બોર્ડ દ્વારા ધ્યાનમાં લેવા માટે તેમની અરજીઓ જમા કરાવવા અંગેનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કોવિડ-19ની પરિસ્થિતિના કારણે પ્રવર્તમાન લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને, સૂચનાઓ પહોંચાડવા માટે બહુવિધ માધ્યમોનો ઉપયોગ રકવામાં આવ્યો છે જેથી આ દસ્તાવેજો તમામ સંબંધિત મહિલા અધિકારીઓ સુધી પ્રાથમિકતાના ધોરણે પહોંચી શકે. અરજીઓ પ્રાપ્ત થઇ જાય અને ચકાસણીની કામગીરી થઇ જાય ત્યારબાદ તાત્કાલિક પસંદગી બોર્ડ બોલાવવામાં આવશે.
કેન્દ્રીય HRD મંત્રીએ HRD મંત્રાલયના દિશાનિર્દેશ પ્રમાણે ઉચ્ચ પ્રાથમિક સ્તર માટે તૈયાર કરવામાં આવેલું NCERT આઠ સપ્તાહનું વૈકલ્પિક શૈક્ષણિક કૅલેન્ડર બહાર પાડ્યું
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ આજે વર્ચ્યુઅલ માધ્યમથી ઉચ્ચ પ્રાથમિક સ્તર માટે વૈકલ્પિક શૈક્ષણિક કૅલેન્ડર બહાર પાડ્યું હતું. કોવિડ-19ના કારણે ઘરોમાં જ રહેતા બાળકોને તેમના માતા-પિતા અને શિક્ષકોની સહાયતાથી શૈક્ષણિક ગતિવિધીઓના માધ્યમથી સાર્થકરૂપે વ્યસ્ત રાખવા માટે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર NCERT દ્વારા પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્તરના વિદ્યાર્થીઓ, માતા-પિતા તેમજ શિક્ષકો માટે વૈકલ્પિક શૈક્ષણિક કૅલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ કૅલેન્ડર વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો અને માતા-પિતાને અભ્યાસના સંસાધનોનો ઉપયોગ કરીને કોવિડ-19નો સામનો કરવા માટે સકારાત્મક રીતે ઑનલાઇન શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવશે અને ઘરે રહીને જ શાળાકીય શિક્ષણ મેળવવાના માધ્યમો તેમના અભ્યાસના પરિણામોમાં પણ સુધારો લાવશે. તેમણે કહ્યું હતું કે, ઉચ્ચ પ્રાથમિક સ્તર (ધોરણ 6 થી 8) સુધીનું કૅલેન્ડર ચાર અઠવાડિયા માટે બહાર પાડવામાં આવ્યું હતું. હવે ઉચ્ચ પ્રાથમિક સ્તર સુધીનું કૅલેન્ડર આઠ અઠવાડિયા માટે બહાર પાડવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કૅલેન્ડર શિક્ષકોને આનંદદાયક, રસપ્રદ રીતોથી શિક્ષણ આપવા માટે ઉપલબ્ધ વિવિધ ટેકનોલોજીકલ ટૂલ્સ અને સોશિયલ મીડિયા ટૂલ્સનો ઉપયોગ કરવા અંગે દિશાનિર્દેશો આપે છે જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો પોતાના ઘરે રહીને જ કરી શકે છે.
પૂર્વે રેલવેએ લૉકડાઉન દરમિયાન ઇ-હરાજીના માધ્યમથી રૂ. 29 કરોડનો ભંગાર વેચ્યો
ઘાતક કોરોના વાયરસે જ્યારે સમગ્ર દેશમાં બધુ જ સ્થગિત કરી દીધું હતું તેવા વિપરિત સંજોગો વચ્ચે રેલવેમાં મુસાફરો સંપૂર્ણ ક્ષમતાએ ના ચાલતો હોવાથી રેલવેની કમાણીને પણ વિપરિત અસર પડી હતી. આવા સમયમાં હંમેશા શ્રેષ્ઠ કામગીરી માટે પ્રતિબદ્ધ પૂર્વ રેલવે (ER)ના પૈડાં દોડતા રહ્યા હતા. પૂર્વ રેલવેના સામગ્રી વ્યવસ્થાપન વિભાગે આ સમય દરમિયાન રેલવેની વિવિધ પ્રવૃત્તિઓમાંથી કાઢી નાંખવામાં આવેલી સેવામાં ઉપયોગમાં ના લઇ શકાય તેવી સામગ્રી (ભંગાર) વેચીને કમાણીમાં વધારો કરવાનો નવીન માર્ગ શોધી કાઢ્યો હતો. પૂર્વ રેલવે દ્વારા આ સમયગાળા દરમિયાન રૂપિયા 29 કરોડની ભંગારમાં નાંખી દેવામાં આવેલી વેચવામાં આવી હતી. વિભાગે ટ્રેક લાઇનો અને વર્કશોપ પર પડેલો તમામ ભંગાર એપ્રિલથી જુલાઇ 2020 દરમિયાન શોધી કાઢ્યો હતો.
ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
મહારાષ્ટ્રઃ બૃહદ મુંબઇના નગરપાલિકા વિસ્તારમાં લૉકડાઉનના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત આપતાં, MCGMએ જણાવ્યું હતું કે, આવતા બુધવારથી ઑડ-ઇવન નિયમને ધ્યાનમાં રાખ્યાં વગર તમામ દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવશે. મૉલ અને બજારોને સવારે 9 થી સાંજે 7 વાગ્યાં સુધી ખુલ્લાં રાખવાની પરવાનગી આપવામાં આવશે. જોકે, થિયેટર, ખાણી-પીણીની દુકાનો/રેસ્ટોરન્ટ હજુ પણ બંધ રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી 1,000 કરતાં ઓછા કેસો નોંધાતાં હોવાથી મુંબઇમાં કોવિડ સંક્રમણનો દર સતત ઘટી રહ્યો છે. જોકે મહારાષ્ટ્રમાં હજુ પણ 1.47 લાખ સક્રિય કેસો છે.
ગુજરાતઃ અમદાવાદ મહાનગર પાલિકાએ વધુ ચાર વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઉમેર્યા છે. મંગળવાર (આજ)થી આ વિસ્તારોમાં ઘરે-ઘરે દેખરેખ અને પરીક્ષણની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. AMC દ્વારા સામાજિક અંતરના નિયમોના ઉલ્લંઘન બદલ શહેરના આલ્ફા મૉલને પણ સીલ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સોમવારે 1,009 નવા કેસો નોંધાયાં હતાં, જ્યારે 974 લોકો સાજા થયાં હતાં. આ સાથે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 14,614 છે.
રાજસ્થાનઃ રાજસ્થાનમાં કોવિડ-19ના 1,145 નવા કેસો નોંધાતાં રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 45,555 ઉપર પહોંચી ગઇ છે. જોકે, સક્રિય કેસોની સંખ્યા 12,785 છે. રાજ્ય સરકાર ચેપનો પ્રસાર થતો અટકાવવા માટે અલવર, બાડમેર અને બિકાનેર જિલ્લાઓમાં લૉકડાઉન લાગુ કરવાનું આયોજન કરી રહી છે.
મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં અધિકારીઓ સહિત 588 પોલીસ અધિકારીઓનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને આશરે 2,000 વ્યક્તિઓને અત્યાર સુધી ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં છે. રાજ્યમાં સોમવારે 750 નવા કેસો નોંધાયાં હતાં.
છત્તીસગઢઃ અંબિકાપુર તબીબી કૉલેજ ખાતે આજથી RT-PCR આધારિત કોવિડ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ICMR દ્વારા તાજેતરમાં રાજ્યમાં બિલાસપુર, અંબિકાપુર અને રાજનંદગાવ ખાતે નવી નિર્માણ પામેલી ત્રણ તબીબી કૉલેજની ઊચ્ચ સ્તરીય BSL-2 લેબ ખાતે RT-PCR પરીક્ષણને મંજૂરી આપવામાં આવી છે.
કેરળઃ રાજ્યમાં વધુ ત્રણ વ્યક્તિઓના કોવિડના કારણે મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 87 પર પહોંચી ગયો છે. કોવિડ પ્રતિરોધની જવાબદારીઓ પોલીસ દળને સુપરત કરવાના સરકારના નિર્ણય સામે આરોગ્ય ક્ષેત્રના વિવિધ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. IMA, કેરળ સરકારી તબીબી અધિકારી સંગઠન, આરોગ્ય નિરીક્ષક મંડળ વગેરે દ્વારા નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, કોવિડ પ્રતિરોધક પ્રવૃત્તિઓના રાજ્ય સ્તરીય નોડલ અધિકારી IPS વિજય સાખારે જણાવ્યું હતું કે, પોલીસ ફરજિયાત ક્વૉરેન્ટાઇન, સ્રોતોની તપાસ અને સચોટ લક્ષ્ય સાથે ચેપગ્રસ્ત વિસ્તારો ચિહ્નિત કરવા સહિત વ્યૂહરચના ઘડીને સંક્રમણનો ફેલાવો અટકાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. ગઇકાલે કેરળમાં વધુ 962 પોઝિટીવ કેસોની પુષ્ટિ થઇ હતી. અત્યારે 11,484 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે અને સમગ્ર રાજ્યમાં 1.45 લાખ લોકો દેખરેખ હેઠળ છે.
તામિલનાડુઃ IIT- મદ્રાસ અને આરોગ્ય સંભાળ સ્ટાર્ટઅપ દ્વારા દર્દીઓની દેખરેખ માટે એક ઉપકરણ વિકસાવવામાં આવ્યું છે. ઓછી કિંમત ધરાવતા આ ઉપકરણનો ઉપયોગ શહેરની હોસ્પિટલોમાં 2,000 જેટલા દર્દીઓની દેખરેખ માટે કરવામાં આવી રહ્યો છે. માનવબળની અછત અને વાયરસના ડરના કારણે લોકો હજુ પણ રેસ્ટોરન્ટમાં બેસીને જમવાનું ટાળી રહ્યા છે અને માત્ર શહેરીની 20 ટકા જેટલી હોટલો જ ગ્રાહકોને પ્રવેશ આપી રહી છે. આરોગ્ય અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર કોઇમ્બતુરમાં કોવિડ પોઝિટીવિટી દર વધીને 8.39% પર પહોંચી ગયો છે. હોટસ્પોટ વિસ્તારોમાંથી નવા કેસોની સંખ્યામાં થયેલો વધારો પોઝિટીવિટી દરમાં થયેલા અચાનક વધારા માટે જવાબદાર છે. તામિલનાડુમાં ગઇકાલે 5,609 નવા કેસો નોંધાયાં હતાં, 5,800 લોકો સાજા થયા હતા અને 109 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ નોંધાયેલા કેસો 2,63,22 છે, જેમાંથી 56,698 કેસો સક્રિય છે અને 4,241 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
કર્ણાટકઃ બી એસ યેદિયુરપ્પા બાદ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. કર્ણાટક વડી અદાલતે જણાવ્યું હતું કે આગામી ટૂંક સમયમાં અદાલતોની સામાન્ય કામગીરી ફરી શરૂ કરવી મુશ્કેલ છે. કર્ણાટક વડી અદાલતે સોમવારે કેન્દ્ર અને રાજ્ય સરકારને તે બાબત સ્પષ્ટ કરવા જણાવ્યું હતું કે જે વ્યક્તિઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી નથી તેમને સેવાઓનો ઇન્કાર કરવામાં આવશે કે નહીં. કર્ણાટક કોવિડ-19ના સક્રિય કેસોના ટોચના ત્રીજા સ્થાનથી નીચે ઉતર્યુ છે અને રાજ્યનો રિકવરી રેટ પણ 42.81 ટકાથી વધીને 44.78 ટકા પર પહોંચી ગયો છે. ગઇકાલે 4,752 નવા કેસો નોંધાયા હતા, 4,776 લોકોને રજા આપવામાં આવી હતી અને 98 લોકોને મૃત્યુ નીપજ્યાં હતા. કુલ કેસોની સંખ્યા 1,39,571 છે, જેમાંથી 74,469 કેસો સક્રિય છે અને 2,594 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દીના પરિવારોને મદદ પૂરી પાડવા માટે રાજ્ય દ્વારા GO બહાર પાડવામાં આવ્યો છે. કલેક્ટરોને કોરોના વાયરસથી મૃત્યુ પામનાર દર્દીના પરિવારજનોને અંત્યેષ્ઠિમાં સહાય પેટે રૂપિયા 15,000 અને જેઓ સાજા થઇ ગયા બાદ પ્લાઝ્માનું દાન કરે તેમને રૂ. 5,000 આપવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. કેન્દ્રએ અનંતપુર જિલ્લાના કલેક્ટરને કોરોના વાયરસનું સંક્રમણ નિયંત્રણમાં લાવવા માટે યોગ્ય પગલાં લેવા કહ્યું છે. રાજ્યમાં ગઇકાલે કોવિડના નવા 7822 કેસ નોંધાય હતા, 5786 દર્દીને રજા આપવામં આવી હતી જ્યારે 63 દર્દી મૃત્યુ પામ્યા હતા. કુલ નોંધાયેલા કેસ: 1,66,586; સક્રિય કેસ: 76,377; મૃત્યુ પામ્યા: 1537.
તેલંગાણા: હૈદરાબાદ ખાતે આવેલા સેલ્યૂલર અને મોલેક્યૂલર બાયોલોજી કેન્દ્ર (CCMB)એ 400 પૂર્ણ- જીનોમ શ્રૃંખલા ઉકેલી કાઢી છે અને SARS-CoV-2 (કોરોના વાયરસ)ના વૈશ્વિક ડેટાબેઝ પર તે જમા કરાવી છે. ભારતમાંથી GISAID ડેટાબેઝ પર જમા કરાવવામાં આવેલી 2,000 જીનોમ શ્રૃંખલામાંથી મોટાભાગની CCMBની છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1286 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 1066 દર્દીઓ સાજા થયા છે અને 12 દર્દી કોરોનાથી મૃત્યુ પામ્યા છે; નવા નોંધાયેલા 1286 કેસમાંથી , 391 દર્દીઓ GHMCમાંથી નોંધાયા છે. કુલ નોંધાયેલા કેસ: 68,946; સક્રિય કેસ: 18,708; મૃત્યુ પામ્યા: 563; સાજા થયા:49,765.
મણિપુર: મણિપુરના સામાજિક કલ્યાણ મંત્રી શ્રી કિપજેન નેમ્ચાએ લેઇકોપ, કાંગપોક્પી ખાતે DIET કેન્દ્રમાં જિલ્લા કોવિડ સંભાળ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. મણિપુરમાં JNIMS હોસ્પિટલ સત્તામંડળે જણાવ્યું હતું કે, ડૉક્ટરો અને નર્સો તેમજ અન્ય સહાયક સ્ટાફ સહિત તમામ આરોગ્ય સંભાળ કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં PPE, N95 માસ્ક, ફેસ શિલ્ડ, હાથમોજાં અને હેન્ડ સેનિટાઇઝર વગેરેનો જથ્થો આપવામાં આવ્યો છે જેથી કોરોના યોદ્ધાઓ કોઇપણ આકસ્મિક ચેપથી બચી શકે.
મિઝોરમ: મિઝોરમમાં ઘણા સમયથી તેની પ્રતિક્ષા થઇ રહી હતી તેવા ‘થેન્ઝાવલ ગોલ્ફ રિસોર્ટ’નું ઉદ્ઘાટન આજે વર્ચ્યુઅલ માધ્યમથી માનનીય પર્યટન મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલે કર્યું હતું. આ પરિયોજના સ્વદેશ દર્શન યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે.
નાગાલેન્ડ: નાગાલેન્ડમાં કોવિડ-19ના નવા 276 કેસ પોઝિટીવ મળ્યા હોવાની આજે પુષ્ટિ થઇ છે. આમાંથી 187 કેસ દીમાપુરમાંથી જ્યારે 89 કેસ મોમમાંથી નોંધાયા હતા.
સિક્કિમ: સિક્કિમમાં આજે કોવિડ-19ના નવા 95 કેસ પોઝિટીવ નોંધાયા છે. રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 473 પર છે. આજદિન સુધીમાં કુલ કેસ 761 થયા છે જેમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે. સિક્કિમમાં આજની તારીખ સુધીમાં કુલ 28089 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.