સુશાંતસિંહ રાજપૂતના અવસાન પછીથી જ બોલિવૂડમાં નેપોટિઝમનો મુદ્દો ફરી એક વાર ગરમ થયો છે અને દરેક વ્યક્તિ તેના વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે અભિનેત્રી કંગના રનૌત બોલિવૂડમાં ભાઈ-ભત્રીજાવાદ અંગે કડક વલણ અપનાવતી આવી છે અને સુશાંતના મૃત્યુ પછીથી તેના નિશાન પર મોટા-મોટા લોકો આવી ગયા છે. આ દરમિયાન અભિનેત્રી કરીના કપૂર ખાને તેની ફિલ્મ વિશેના અનુભવો વિશે વાત કરી અને એમ પણ કહ્યું કે ફિલ્મ પરિવાર સાથેના સંબંધો તમારી મુશ્કેલીઓ ઘણી બધી ઘટાડી નાખે છે. આ વાત પછી કરીના સામે કંગનાએ પ્રહારો કર્યા છે. તેણે કરીનાને કેટલાક સવાલ કરીને ખુલાસો માગ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં કરીના કપૂરે કહ્યું હતું કે, ‘21 વર્ષ સુધી હું માત્ર નેપોટિઝમના દમ પર ટકી શકું નહીં. આં સંભવ જ નથી. હું એ સુપરસ્ટાર્સના સંતાનોની લાંબી યાદી બનાવી શકું છું જે આવું નથી કરી શક્યા.’ કરીનાએ કહ્યું કે કપૂર ખાનદાનમાંથી આવવાને કારણે તેને પ્રાથમિકતા મળી છે. તેમ છતાં પોતાને સાબિત કરવા માટે તેણે ખૂબ મહેનત કરવી પડી છે. તેને નથી લાગતું કે તેણે જે હાંસલ કર્યું છે તે ફક્ત કપૂર પરિવારના ટેગથી હાંસલ કર્યું છે. કરીના કપૂરના આ નિવેદન પર કંગનાની ટીમે ટવિટ કરીને ઘણા સવાલો પૂછ્યા છે. ટવિટમાં લખ્યું છે કે ‘કરીનાજી, તમને બધાને દર્શકોએ સમૃદ્ધ અને પ્રખ્યાત બનાવ્યા, પરંતુ તેમને ખબર ન હતી કે અપેક્ષા કરતાં વધારે સફળતા બોલિવૂડને બોલિવૂડમાં ફેરવશે. કૃપા કરીને આ પ્રશ્નોના જવાબ આપો.
1 – તમારા બેસ્ટ મિત્રએ કંગનાને ઇન્ડસ્ટ્રી છોડી દેવાનું કેમ કહ્યું હતું?
2 – મોટા પ્રોડક્શન હાઉસ દ્વારા સુશાંત પર પ્રતિબંધ કેમ મૂકાવામાં આવ્યો હતો ?
3 – શા માટે તેઓ કંગનાને ડાકણ અને સુશાંતને દુષ્ટ કહેતા હતા?
4- તમારી ઇકો સિસ્ટમમાં કંગના અને સુશાંતને બાયપોલર કેમ કહેવામાં આવે છે?
5- તમારા જેવા નેપોકિડે લગ્નનું વચન આપીને કંગના સામે કેસ કેમ કર્યો?
6- કંગના અને સુશાંતને ઇન્ડસ્ટ્રીમાં કેમ અલગ રાખવામાં આવ્યા? તેઓને શા માટે પાર્ટીમાં આમંત્રણ નથી આપવામાં આવતું? શા માટે કોઈ તેમને ફિલ્મ રિલીઝ, જન્મદિવસ અને સફળતા માટે અભિનંદન આપતું નથી?