રાજ્યમાં કોરોના વાયરસના પગપેસારાને 140 દિવસથી પણ વધુ થયા છે. ઉલ્લેખનીય છે કે મહામારીનું સંક્રમણ પણ વધ્યું છે. ત્યારે આ ઘાતક વાયરસ સામેના આ ‘મહાયુદ્ધ’માં ચોખ્ખાઇ એક ‘ઢાલ’ સમાન ભૂમિકા ભજવે છે અને તે બાબત પ્રત્યે લોકોમાં જાગૃતિ પણ વધી રહી છે. કોરોના વાયરસના આગમન બાદ અમદાવાદીઓ અગાઉના સમય કરતા હવે દૈનિક ૧૫ થી ૨૦%થી વધુ પાણીનો ઉપયોગ કરતા થઇ ગયા છે.પ્રાણ ઘાતક જીવલેણ કોરોના વાયરસના આગમન બાદ હવે લોકો સફાઇ પ્રત્યે વધુ જાગૃત્ત થઇ ગયા છે અને મોટાભાગના લોકો દિવસમાં બે વખત સ્નાન કરે છે તેમજ તક મળતાં જ પાણીથી હાથ ધોવાનું પસંદ કરે છે. આ બાબતોને કારણે હવે કોરોના અગાઉના સમય કરતાં પાણીના વપરાશમાં વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં હાલમાં દરરોજ અંદાજે ૧૩૯૮ મિલિયન લીટર ડે (એમએલડી) પાણીનો વપરાશ થાય છે.લોકડાઉન દરમિયાન ૩ લાખથી વધુ પરપ્રાંતિય શ્રમિકોની વતન વાપસી, ૪.૭૫ લાખ વ્યાવસાયિક એકમો બંધ રહ્યા હોવા છતાં પાણીની માગણીમાં કાપ આવ્યો નહોતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના મતે કોરોનાના આગમન બાદ અમદાવાદીઓમાં હવે સ્નાન તેમજ હાથ ધોવાના પ્રમાણમાં વધારો થયો હોવાથી પાણીનો વપરાશ પણ વધ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય કમિટિના ચેરેમેન રશ્મિ શાહે કહ્યું કે, ‘કોરોનાના આગમન બાદ અમદાવાદીઓમાં પાણીના વપરાશમાં હવે ૧૫ ટકાનો વધારો થયો છે. હાલ મોટાભાગના અમદાવાદીઓ દિવસમાં દરરોજ બે વખત સ્નાન કરતા હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. મ્યુનિસિપાલિટી દ્વારા આપવામાં આવતા પાણીનો વપરાશ સામાન્ય રીતે ઉનાળામાં ૧૩૯૮ મિલિયન લીટર ડે હોય છે, જેમાં હજુ સુધી ઘટાડો નોંધાયો નથી. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ઘરોમાં કરવામાં આવતા પાણીનો વપરાશ ૧૦ ટકા સુધી ઘટી જતો હોય છે.
પરંતુ ચોમાસું અડધું પૂર્ણ થવા આવ્યું હોવા છતાં હજુ સુધી દૈનિક વપરાશમાં ઘટાડો જોવા મળ્યો નથી. ‘ હવે આગામી ટૂંક સમયમાં જાસપુર ખાતે નવો વોટર પ્રોડક્શન પ્લાન્ટ શરૃ કરવાનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. જેના શરૃ થઇ ગયા બાદ અગાઉ કરતા ૨૦૦ એમએલડી વધુ પાણી મળશે. આગામી ડિસેમ્બર સુધીમાં અમદાવાદીઓના પાણીના ઉપયોગમાં ૧.૨ ગણો વધારો થાય તેવો અંદાજ છે.પ્રત્યેક અમદાવાદી દરરોજ સરેરાશ ૨૬૦થી ૨૮૦ લીટર પાણીનો ઉપયોગ કરતો હોવાનું વર્ષ ૨૦૧૮ના એક સર્વેક્ષણમાં સામે આવ્યું હતું. આ સર્વેક્ષણના તારણ પ્રમાણે એક વ્યક્તિ માટે દરરોજ સરેરાશ૧૪૩થી ૧૭૧ લીટર જ પાણી પર્યાપ્ત છે. જેની સરખામણીએ એ વખતે અમદાવાદીઓ દ્વારા માથાદીઠ પાણીના ઉપયોગનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.