ઉમરગામ પોલીસ મથકનો હોમગાર્ડ વરદી પહેરી પીધેલી હાલતમાં કોઈ જગ્યાએ રેડ કરી હપ્તાની માગ કરતો હોય તેમજ કોઈના ઘરમાં ઘૂસી ગાળો દેતો તેવો વિડિયો વાઇરલ થતા જ ચકચાર મચી ગઇ હતી.ઉમરગામ પોલીસમાં કર્મીઓની ઘટના કારણે ઘણી કામગીરી હોમગાર્ડ પાસે કરાવાય છે. ખાખી વરદીમાંં ફરતા કેટલાક હોમગાર્ડ સામાન્ય લોકો સામે ખાખી વરદીની બીક બતાવી અનેક વાંધાજનક કામો કરતાં હોય છે. પોલીસ કર્મીની ઘટના કારણે પોલીસ વિભાગ આંખ બંધ કરી આવનારા બેરોજગારોને 130 પ્રતિ દિનનું માનદ વેતન આપી જીઆરડી તરીકે પ્રવેશ આપી કામગીરી સોપતા હોય છે.
ઉમરગામ પોલીસે વિડીયો જોઇ તાત્કાલિક હોમગાર્ડને છૂટો કરી દીધો
હોમગાર્ડ અને જીઆરડીને પોલીસ વિભાગ દ્વારા ખાખી યૂનિફોર્મ આપતો હોય છે.જે યૂનિફોર્મ પહેરી કેટલાક હોમગાર્ડ અને જીઆરડી પોલીસ અધિકારીનો રૂબાબ રાખી સમગ્ર ગુજરાત પોલીસનું નામ બગાડી રહ્યા છે. ઉમરગામ પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો નિલેશ રાઠોડ નામક હોમગાર્ડ પોતે અતિસય દારૂ પીધેલી હાલતમાં હોય અને કોઈ વ્યક્તિના ઘરમાં પ્રવેશી તેના પરિવારની હાજરીમાં એક પુરુષને પકડી મારમારી કરી ગાળગલોચ કરતો હતો. અહીં તે હપ્તાની માંગ પણ કરતો હોય તેવો વીડીઓ ઉમરગામ પંથકમાં વાઇરલ થતા સ્થાનિક પોલીસ વિમાસણમાં મુકાઇ ગઇ હતી.પોલીસ મથકના અધિકારીને આ ઘટના ધ્યાને આવતા તાત્કાલિક અસરથી હોમગાર્ડ નિલેશ રાઠોડને ફરજ પરથી છૂટો કરી દેવામાં આવ્યો છે.
હોમગાર્ડ નિલેશ રાઠોડ કોઈ દારૂના અડ્ડા ખાતે પહોંચી રેડ કરી હતી. તે સમયે તેનો વિડિયો કોઇકે ઉતારી વાઇરલ કર્યો હતો. જે વિડિયો આધારે હોમગાર્ડ વિભાગના અધિકારીને રિપોર્ટ કરી તાત્કાલિક અસરથી નિલેશ રાઠોડ હોમગાર્ડને ફરજ પરથી છૂટો કર્યો છે. – કલ્પેશ એમ. વસાવા,પીએસઆઇ, ઉમરગામ પોલીસ મથક