કૉન્ગ્રેસે પક્ષના વરિષ્ઠ નેતા અહમદ પટેલને ૧૮ ઑગસ્ટે ખાલી પડતી રાજ્યસભાની બેઠક માટે યોજાનારી આગામી ચૂંટણીમાં ફરી ગુજરાતમાં ઉમેદવારી સોંપવાની તૈયારી કરી છે. કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલને ફરી રાજ્યસભાની ઉમેદવારી સોંપવા બાબતે પક્ષના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ સંમતિ આપી હોવાનું પક્ષનાં ટોચનાં સૂત્રોએ જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠકમાં આ નિર્ણય લીધો હતો. કૉન્ગ્રેસના ગુજરાતનો અખત્યાર સંભાળતા મહામંત્રી અશોક ગેહલોટ અને પક્ષના ગુજરાત એકમના પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત બેઠકમાં ઉપસ્થિત તમામ નેતાઓએ ૬૭ વર્ષના અહમદ પટેલને ફરી રાજ્યસભા માટે ગુજરાતથી ઉમેદવારી સોંપવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. અહમદ પટેલ આ વખતે ચૂંટાશે તો પાંચમી વખત રાજ્યસભાના સભ્ય બનશે. તાજેતરમાં ગુજરાતના સ્ટ્રૉન્ગમૅન શંકરસિંહ વાઘેલાની પક્ષમાંથી વિદાય છતાં કૉન્ગ્રેસના ગુજરાતના નેતાઓએ અહમદ પટેલના વિજયનો આત્મવિશ્વાસ દર્શાવ્યો છે.
રાહુલ ગાંધીની પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકમાં શંકરસિંહ વાઘેલાની વિદાયના રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી અને રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણી પર શક્ય અસરો વિશે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતથી રાજ્યસભાની એકમાત્ર બેઠક જાળવી રાખવાનો આત્મવિશ્વાસ કૉન્ગ્રેસે વ્યક્ત કર્યો હતો. ૧૮ ઑગસ્ટે રાજ્યસભાના ત્રણ સભ્યો BJPનાં સ્મૃતિ ઈરાની અને દિલીપ પંડ્યા તેમ જ કૉન્ગ્રેસના અહમદ પટેલની હોદ્દાની મુદત પૂરી થાય છે.
૧૬૨ બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભામાં કૉન્ગ્રેસના ૫૭ સભ્યો છે અને રાજ્યસભામાં એ પક્ષના ઉમેદવારને જિતાડવા માટે ૪૭ વોટની જરૂર રહે છે. ગુજરાતમાં કૉન્ગ્રેસને NDAના બે અને JD (U)ના એક વિધાનસભ્યનો ટેકો છે. એથી શંકરસિંહ વાઘેલા થોડા વિધાનસભ્યોની સાથે છેડો ફાડી જાય તો પણ બેઠક જાળવી રાખવામાં વાંધો નહીં આવે એવી લાગણી કૉન્ગ્રેસના નેતાઓ દર્શાવે છે.
ગુજરાત, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશની રાજ્યસભાની દસ બેઠકો માટે ૮ ઑગસ્ટે યોજાનારી ચૂંટણી થવાની છે.