મુંબઈ ઈન્ડિયન્સે લીધો રાહતનો શ્વાસ: બુમરાહની એન્ટ્રી થઈ, પરંતુ જેક્સ અને સેન્ટનર હજુ સુધી કેમ ગેરહાજર?
IPL 2026ની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ અને ટીમ મેનેજમેન્ટ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર અને ‘યોર્કર કિંગ’ જસપ્રીત બુમરાહ આખરે સ્ક્વોડ સાથે જોડાઈ ગયો છે. ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ બાદ બુમરાહ બ્રેક પર હતો અને તાજેતરમાં તે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં જોવા મળતા ફેન્સની ચિંતા વધી હતી. જોકે, હવે તે મુંબઈના કેમ્પમાં સામેલ થઈ જતા 29 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની પ્રથમ મેચમાં તેના રમવાના રસ્તા સાફ થઈ ગયા છે.
બે સ્ટાર ખેલાડીઓએ વધારી ટેન્શન
એકતરફ બુમરાહના આવવાથી બોલિંગ લાઇનઅપ મજબૂત થઈ છે, તો બીજી તરફ બે વિદેશી ખેલાડીઓએ ટીમનું ટેન્શન વધાર્યું છે. વિલ જેક્સ અને મિચેલ સેન્ટનર હજુ સુધી ટીમ સાથે જોડાયા નથી. આ બંને ખેલાડીઓ 27 માર્ચે યોજાયેલા મહત્વના પ્રેક્ટિસ સેશનમાં પણ ગેરહાજર રહ્યા હતા. સેન્ટનર ન્યૂઝીલેન્ડ ટીમની કેપ્ટનશીપ સંભાળ્યા બાદ બ્રેક પર છે, જ્યારે વિલ જેક્સ પણ વર્લ્ડ કપ બાદ હજુ સુધી ભારત પહોંચ્યો નથી. પ્રથમ મેચમાં હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ બંનેની ગેરહાજરી મુંબઈ માટે ચિંતાનો વિષય બની છે.
છઠ્ઠા ખિતાબ પર મુંબઈની નજર
ગયા વર્ષે એટલે કે IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન સારું રહ્યું હતું અને ટીમ ટોપ-4માં પહોંચી હતી. જોકે, બીજા ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સ સામે હાર મળતા તેમનું ફાઈનલ રમવાનું સપનું તૂટી ગયું હતું. આ વખતે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમ વધુ સંતુલિત દેખાઈ રહી છે. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા જેવા ખેલાડીઓ પહેલેથી જ ફોર્મમાં છે, ત્યારે મુંબઈની નજર આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી છઠ્ઠી વખત ટ્રોફી જીતવા પર રહેશે.

