નવી દિલ્હી : ફેસબુક હેડ સ્પીચના મુદ્દે કોંગ્રેસ સતત કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે. રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ 16 ઓગસ્ટ, રવિવારે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, ભાજપના નેતાઓ ફેસબુકનો ઉપયોગ ખોટી માહિતી અને નફરત ફેલાવવા માટે કરી રહ્યા છે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે સોશિયલ મીડિયા પર નિયંત્રણ રાખવા માટે ભાજપે પણ ફેસબુકના અધિકારીઓ સાથે જોડાણ કર્યું છે,.
પ્રિયંકા ગાંધીએ ફેસબુકથી ભાજપના નેતાને ઉશ્કેરણીજનક પોસ્ટ પર પગલા ન લેવાવા અંગે એક અહેવાલ શેર કર્યો છે. પ્રિયંકા ગાંધીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ભારતની મોટાભાગની મીડિયા ચેનલો પછી હવે સોશિયલ મીડિયાનો વારો આવે છે. ભારતીય જનતા પાર્ટી દ્વેષ અને પ્રચાર ફેલાવવા માટે તમામ પ્રકારની રણનીતિનો ઉપયોગ કરતી હતી અને હજી પણ કરી રહી છે.