‘બ્લુ વ્હેલ’ નામની ઇન્ટરનેટ ગેમ રમતાં-રમતાં અંધેરી (ઈસ્ટ)ની શૅર-એ-પંજાબ કૉલોનીમાં રહેતા ૧૪ વર્ષના મનપ્રીત સિંહે આપઘાત કર્યો હોવાની ચર્ચા સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર ચાલે છે. શૅર-એ-પંજાબ કૉલોનીના સાત માળના અમ્પાયર રેસિડન્સી અપાર્ટમેન્ટની ટેરેસ પરથી મનપ્રીત સિંહે પડતું મૂક્યું હતું. મનપ્રીતે કોઈ સુસાઇડ-નોટ નથી લખી, પરંતુ તેના પેરન્ટ્સ સાથે પ્રારંભિક વાતચીત પ્રમાણે મનપ્રીત ડિપ્રેશનમાં હોવાનું પણ જણાયું નહોતું. આ કિસ્સા બાબતે પોલીસે હાલમાં ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે.
દરમ્યાન ઇન્ટરનેટ અને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર મનપ્રીત ‘બ્લુ વ્હેલ ચૅલેન્જ’ નામે ઓળખાતી આ સુસાઇડ-ગેમનો પ્રથમ ભોગ બન્યો હોવાની ચર્ચા ચાલે છે. મેઘવાડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પી. પાટીલે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘હાલમાં અમારી તપાસ પ્રાથમિક તબક્કામાં છે. અમે અન્યો સાથે વાતચીત કરીએ ત્યાર પછી એટલે કે એકાદ દિવસ બાદ વધુ વિગતો જાણવા મળશે. મનપ્રીતનું મૃત્યુ ઇન્ટરનેટ ગેમને કારણે થયું છે કે નહીં એ હું અત્યારે કહી ન શકું. અમે મનપ્રીતનો મોબાઇલ ફોન જોયો નથી.’
સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર મનપ્રીતનું મૃત્યુ બ્લુ વ્હેલ ગેમ નામની સુસાઇડ-ગેમને કારણે થયું હોવાનું કહેતી અનેક પોસ્ટ વાંચવા મળે છે. ફેસબુક-પોસ્ટમાં જણાવવામાં આવ્યા પ્રમાણે એ ૫૦ દિવસની ગેમમાં એક પછી એક કમાન્ડ્સ આપવામાં આવે છે અને એમાં મનપ્રીતને સુસાઇડનો કમાન્ડ (આદેશ) આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
મનપ્રીતના પાડોશી અને સ્થાનિક ગુરદ્વારા કમિટીના મેમ્બર સની વાલિયાએ જણાવ્યું હતું કે ‘મનપ્રીત બ્લુ વ્હેલ નામની ઇન્ટરનેટ ગેમ રમતાં-રમતાં આપઘાત કરવા પ્રેરાયો હોવાની શક્યતા વિશે મેં જાણ્યું છે. મનપ્રીતે એ બ્લુ વ્હેલ ગેમ રમતો હોવાથી સોમવારે સ્કૂલમાં જવાનો ન હોવાનું કેટલાક ફ્રેન્ડ્સને જણાવ્યું હતું. પેરન્ટ્સે બાળકોની રોજિંદી ઘટમાળ પર સતત નિકટતાથી નિગરાની રાખવાની જરૂર છે.’
બ્લુ વ્હેલ ગેમનો આરંભ ૨૦૧૩માં રશિયામાં કરવામાં આવ્યો અને ૨૦૧૫માં એ ગેમને કારણે આપઘાતની પહેલી ઘટના બની હોવાનું નોંધાયું છે. એ ગેમનો સ્થાપક યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવેલો સાયકોલૉજીનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ ફિલિપ બુડેઇકિન હોવાનું ઇન્ટરનેટ પર જાણવા મળે છે. બુડેઇકિનનું કહેવું છે કે જેમનું કોઈ મૂલ્ય ન હોય એવા લોકોને આપઘાત તરફ ધકેલીને હું સમાજને સ્વચ્છ કરી રહ્યો છું. ૨૦૧૬માં એક પત્રકારે વજૂદ વગરની આત્મહત્યાઓ વિશે લેખ લખ્યા પછી રશિયાના ટીનેજર્સમાં એ ગેમ જાણીતી બની હતી. દરમ્યાન બુડેઇકિનની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ૧૬ ટીનેજર છોકરીઓને આપઘાતની ઉશ્કેરણી બદલ દોષી ગણવામાં આવ્યો હતો. ત્યાર પછી રશિયામાં આપઘાત વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો હતો અને બ્લુ વ્હેલ ગેમને કારણે આપઘાત બાબતે આખી દુનિયામાં ચિંતા ફેલાઈ હતી.
કેવી છે આ ગેમ?
‘બ્લુ વ્હેલ’ ગેમ ચૅલેન્જર્સ તરીકે ઓળખાતા પ્લેયર્સ કે પાર્ટિસિપન્ટ્સ અને ઍડ્મિનિસ્ટ્રેટર્સ અથવા ક્યુરેટર્સ વચ્ચે રિલેશનશિપ પર આધરિત છે. ખેલાડીએ ઍડ્મિનિસ્ટ્રેટર દ્વારા સૂચિત ડ્યુટી પૂરી કરવાની હોય છે. પચીસ દિવસના ટાસ્ક્સ આપવામાં આવ્યા હોય છે. એમાં પરોઢિયે ૪.૨૦ વાગ્યે જાગી જવાનું, ક્રેન પર ચડવાનું, મ્યુઝિક સાંભળવાનું, ઍડ્મિનિસ્ટ્રેટરે મોકલેલા વિડિયો જોવા જેવા ટાસ્ક્સ ચૅલેન્જર્સને આપવામાં આવે છે.