રશિયાની ઇન્ટરનેટ ગેમ બ્લુ વ્હેલના વ્યસની બનેલા અંધેરીની એક ઇન્ટરનૅશનલ સ્કૂલના નવમા ધોરણમાં ભણતા મનપ્રીત સહાન્સની આત્મહત્યા પૂર્વેની સ્થિતિ અને એ ઘટનાનાં કારણોની કડીઓ મેળવવામાં મુંબઈ પોલીસ પરોવાઈ છે. પોલીસનીતપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે ૧૪ વર્ષના મનપ્રીતે સાત માળના બિલ્ડિંગની ટેરેસ પરથી કૂદતાં પહેલાં
સોશ્યલ મીડિયા પર પિક્ચર સહિત આઘાતજનક પોસ્ટ લખી હતી. શનિવારે સાંજે ૫.૫૦ વાગ્યે પેરન્ટ્સ ઘરમાં બેઠા હતા ત્યારે મનપ્રીત બિલ્ડિંગની ટેરેસ પરથી કૂદીને મૃત્યુ પામ્યો હતો.
મનપ્રીતે કૂદતાં પહેલાં ટેરેસની પાળી પર પગ નીચે લટકતા રાખીને પોસ્ટ કરેલા પિક્ચરમાં લખ્યું હતું કે ટૂંક સમયમાં ફક્ત મારું ચિત્ર તમારી પાસે રહી જશે. એ પિક્ચરના અંતમાં પૂર્ણવિરામનું ચિહ્ન અને શાંત ચહેરો દર્શાવતું સ્માઇલી છે.
આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે મનપ્રીત ટેરેસની પાળી પર પગ લટકતા રાખીને બેઠો હતો એ વખતે સામેના બિલ્ડિંગમાં રહેતા પાડોશી બૂમો પાડીને મનપ્રીતને પાછા વળીને સલામત જગ્યાએ ચાલ્યા જવાનું કહેતા રહ્યા હતા, પરંતુ મનપ્રીતે કંઈ સાંભળ્યું નહીં. તે પાડોશી મનપ્રીતને બચાવવા માટે તેના બિલ્ડિંગમાં જવા નીકળ્યા હતા. તે ભાઈએ બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો. એટલામાં મનપ્રીતે પડતું મૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું. મનપ્રીતને ત્યાંથી થોડા અંતરે આવેલી પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાં ડૉક્ટરોએ તે મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતું.
તપાસમાં સંકળાયેલા પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે આ ઘટનાના સાક્ષીનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કર્યું હતું. જોકે મનપ્રીતના પેરન્ટ્સ અને ફ્રેન્ડ્સનાં સ્ટેટમેન્ટ્સ રેકૉર્ડ કરવાનાં બાકી છે. પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટના આપઘાતની નહીં હોવાનું પણ માની શકાય, પરંતુ કારણ નક્કી કરવાનું બાકી છે. મોબાઇલ ફોન્સ કે લૅપટૉપ જેવાં જે સાધનો મનપ્રીત વાપરતો હતો એ સાધનો અને મનપ્રીતનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સની તપાસ ચાલી રહી છે.’