ફખર ઝમાન ફરી વિવાદોના વંટોળમાં: PSL માં બોલ ટેમ્પરીંગનો આરોપ, શું T20 વર્લ્ડ કપમાં પણ કરી હતી આવી હરકત?
પાકિસ્તાની ક્રિકેટમાં અત્યારે એક નવો ભૂકંપ આવ્યો છે અને આ વખતે નિશાના પર છે અનુભવી બેટ્સમેન ફખર ઝમાન. પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 ની સીઝન અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ તેની વચ્ચે બોલ ટેમ્પરીંગ (બોલ સાથે છેડછાડ) ના સ્કેન્ડલે આખી ટૂર્નામેન્ટની મજા બગાડી નાખી છે. 35 વર્ષીય ફખર ઝમાન પર ગંભીર આરોપ છે કે તેણે મેચ દરમિયાન બોલની સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. જો આ આરોપ સાબિત થશે, તો તેના પર પ્રતિબંધ પણ લાગી શકે છે.
PSL 2026 માં શું બની ઘટના?
આ વિવાદ રવિવારે રાત્રે કરાચી કિંગ્સ અને લાહોર કલંદર્સ વચ્ચેની મેચમાં સામે આવ્યો. મેચની છેલ્લી ઓવરમાં જ્યારે કરાચીને જીતવા માટે 14 રનની જરૂર હતી, ત્યારે અમ્પાયરોએ જોયું કે બોલની સ્થિતિ અચાનક બદલાઈ ગઈ છે. કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, હારિસ રઉફ, શાહીન આફ્રિદી અને ફખર ઝમાન બોલ સાથે કંઈક વાતચીત કરી રહ્યા હતા.
અમ્પાયરોએ લાહોર કલંદર્સને દોષિત માનીને કરાચી કિંગ્સને 5 પેનલ્ટી રન આપ્યા અને બોલ બદલી નાખ્યો. આ નિર્ણયને કારણે કરાચીને છેલ્લી ઓવરમાં માત્ર 9 રન જ કરવાના રહ્યા અને તેમણે આસાનીથી મેચ જીતી લીધી. મેચ બાદ ફખર પર ‘લેવલ 3’ નો ચાર્જ લગાવવામાં આવ્યો છે. જોકે, ફખર ઝમાને મેચ રેફરી રોશન મહાનામા સામે આ આરોપોને નકારી કાઢ્યા છે.
T20 વર્લ્ડ કપ 2024 નો જૂનો વિવાદ
રસપ્રદ વાત એ છે કે, ફખર ઝમાન માટે આ કોઈ નવો વિવાદ નથી. અહેવાલો મુજબ, 2024 ના T20 વર્લ્ડ કપ માં અમેરિકા (USA) સામેની ઐતિહાસિક મેચ દરમિયાન પણ ફખર પર આવા જ આરોપો લાગ્યા હતા.
શું થયું હતું ડલાસમાં? 13મી ઓવરમાં જ્યારે અમેરિકાના મોનાંક પટેલે શાહીન આફ્રિદીને સિક્સર ફટકારી, ત્યારે ફખર ઝમાન બોલ ઉપાડીને પોતાની જર્સીની નીચે સંતાડતા જોવા મળ્યા હતા.
USA ની ફરિયાદ: અમેરિકાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે નોંધ્યું હતું કે ફખરે ઘણી વાર સુધી બોલ પોતાની શર્ટની અંદર રાખ્યો હતો અને તેની આંગળીઓની હરકત શંકાસ્પદ હતી.
રિવર્સ સ્વિંગનો જાદુ: આ ઘટના બાદ અચાનક જ પાકિસ્તાની બોલરોને રિવર્સ સ્વિંગ મળવા લાગી હતી, જેનાથી અમેરિકાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જોકે, આ મેચ સુપર ઓવરમાં ગઈ અને અમેરિકાએ જીત મેળવી, પણ મોનાંક પટેલે મેચ રેફરી જેફ ક્રોને આ બાબતે મૌખિક ફરિયાદ કરી હતી.
‘આ સામાન્ય ચમકાવવાની રીત નથી’
ક્રિકેટના નિયમો મુજબ બોલને લાળ કે પરસેવાથી ચમકાવવો સામાન્ય છે, પરંતુ તેને શર્ટની અંદર છુપાવીને ઘસવો એ અત્યંત શંકાસ્પદ ગણાય છે. PSL ના કિસ્સામાં પણ ફખર ઝમાનની મુશ્કેલીઓ વધી શકે છે. આ અઠવાડિયાના અંતમાં ફરી એકવાર સુનાવણી થશે અને જો વીડિયો ફૂટેજમાં કંઈપણ ખોટું જણાશે, તો ફખરને ઓછામાં ઓછી એક કે વધુ મેચો માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

