બિહારમાં આરજેડી મહિલા મહામંત્રી નેતા ગાયત્રી દેવીએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં કેટલાક યુવાનો તેમના શરીર પર દારૂની બોટલો પહેરેલા જોવા મળી રહ્યા છે. ગાયત્રી દેવીએ તસવીર અંગે ટ્વિટ કરીને નીતીશ સરકાર પર નિશાન સાધ્યું છે.
ઘર ઘર દારુની હોમ ડિલીવરી દેવાવાળા આત્મનિર્ભર બિહારી યુવાઓ
તેણીએ ફોટો ટ્વીટ કરીને લખ્યું કે, ‘આ ટાઇમ બોમ્બ આતંકવાદી નથી. નીતીશ કુમાર સુશીલ મોદીના રાજ્યમાં ઘર ઘર દારુની હોમ ડિલીવરી દેવાવાળા આત્મનિર્ભર બિહારી યુવાઓ છે. જ્યાં બિહાર સરકારે દાવો કર્યો હતો કે બિહાર આત્મનિર્ભર બની રહ્યો છે, ત્યાં ગાયત્રી દેવી દ્વારા આ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે.
દારુની એક હજારથી વધુ ખેપ આવે છે
આ સાથે જ આરજેડી પટણાએ પણ મંગળવારે ટ્વિટ કરીને બિહાર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેઓએ દાણચોરી કરેલી દારૂને લઈને સવાલો ઊભા કર્યા છે. આરજેડીનું કહેવું છે કે હવે બિહારની કુરિયર કંપની સેનિટાઈઝરના નામે દારૂની દાણચોરી કરી રહી છે. તે જ સમયે, આરજેડીનો આરોપ છે કે દારુની એક હજારથી વધુ ખેપ આવે છે પરંતુ દેખાવા માટે એક કે બેને પકડી પાડવામાં આવેલું દેખાડવામાં આવે છે.
નીતિશ કુમાર દારૂબંધી અંગે બિહારમાં માનવ સાંકળ બનાવી રહ્યા છે
આરજેડીનું કહેવું છે કે એક તરફ સીએમ નીતિશ કુમાર દારૂબંધી અંગે બિહારમાં માનવ સાંકળ બનાવી રહ્યા છે. બીજી તરફ, દારૂ માફિયા, શાસક પક્ષો અને પોલીસકર્મીઓની મિલીભગતથી કેટલાય ગેલન દારૂ બિહારમાં પહોંચી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, બિહારમાં એપ્રિલ 2016 થી દારૂબંધી લાગુ છે.
બિહારમાં ન્યાય મેળવવા માટે દરેકને સેલિબ્રિટી બનવું પડશે?
આ સાથે જ આરજેડીએ એક ટ્વિટ દ્વારા બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેને પણ નિશાન બનાવ્યું છે. આરજેડીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, સાંભળો ડીજીપી, પટનાનો એમબીબીએસ વિદ્યાર્થી ગત 11 ઓગસ્ટથી ગુમ હતો, પરંતુ તમે યુપી અને મુંબઇ પોલીસ ઉપર જ નિવેદનબાજી કરતા જોવા મળ્યા છો. શું બિહારમાં ન્યાય મેળવવા માટે દરેકને સેલિબ્રિટી બનવું પડશે?