વડોદરામાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો
ગુજરાતને ડ્રાય સ્ટેટ જાહેર કર્યા પછી પણ દારૂની હેરાફેરીમાં પોલીસના કેટલાક કર્મચારીઓ ની સંડોવણી થતા કાયદો કાચો પડે છે તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા જિલ્લામાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરી લાવતી ટ્રકને રોકવામાં અવગણના થવા પાછળ પોલીસ વિભાગના જ માણસે મોટો ખેલ રમ્યો હોવાનું ખુલ્યું છે.
પોલીસકર્મી વિરુદ્ધ જ સ્ટેટ મોનિટરિંગ સેલે ભર્યા પગલાં
સ્ટેટ મોનિટરિંગ સેલ ના જ પોલીસકર્મી સાજણ આહિર દ્વારા આરોપી બુટલેગરને બચાવવાનો પ્રયાસ થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ટ્રક છોડાવી દેવા માટે બુટલેગર અનિલ જાટે 15 લાખ રૂપિયા આંગડિયા મારફતે ગાંધીનગર મોકલાવ્યા હતા. જોકે હવે આ મામલે ગુજસિટોક હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવવામાં આવી છે.
19 જુલાઈએ કરજણ હાઇવે પરથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ હતી…. તપાસમાં ખુલ્યું કે, આ દારૂ અનિલ જાટ નામના બુટલેગરે મોકલાવ્યો હતો. જ્યારે અનિલ જાટ પોલીસના વિરુદ્ધ પુરાવા સાથે પત્ર લખીને સ્ટેટ મોનિટરિંગ સેલને જાણ કરી હતી. ત્યારબાદ આ મામલે એસએમસીએ આંતરિક તપાસ શરૂ કરી અને પોતાના જ કોન્સ્ટેબલ સાજણ આહિર પર શંકાની સોય ફરી.
વોઇસ ક્લિપમાં ખુલાસો: “ગાંધીનગર મોકલ્યા 15 લાખ”
એસએમસી દ્વારા કરાયેલ તપાસમાં સાજણ આહિરના મોબાઇલમાંથી પાંચ વોઇસ ક્લિપ મળી આવી છે. તેમાં બે ક્લિપમાં કોન્સ્ટેબલ અને અનિલ જાટ વચ્ચે થયેલી વાતચીતમાં લાંચનો ખુલાસો થયો છે. બુટલેગર પોતાના શબ્દોમાં કહે છે કે, “ગાંધીનગર મેં 15 લાખ મોકલાવી દીધા છે.”
અનિલ જાટ સામે પણ કાર્યવાહી શરુ
અનિલ જાટ વડોદરા સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં દારૂ સપ્લાયના મામલામાં મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. હાલ તેના વિરુદ્ધ પણ ગુજસિટોક કલમ હેઠળ ગુનો નોંધવામાં આવી રહ્યો છે અને ઝડપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ન્યાયિક પ્રક્રિયા હેઠળ એસએમસીનો કડક અભિગમ
હાલ એસએમસીએ કોન્સ્ટેબલ સાજણ આહિરની ધરપકડ કરી છે અને તેને વહીવટી ફરજમાંથી મુક્ત કરી ગુનાની દિશામાં કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. હવે વડોદરા ગ્રામ્ય પોલીસને આ કેસ હવાલે કરવાની તૈયારી ચાલી રહી છે.
અંતે પ્રશ્ન એટલો જ: પોલીસથી રક્ષા કે શંકા?
આ મામલો એટલો ગંભીર છે કે હવે સામાન્ય જનતાને પણ પ્રશ્ન થાય કે કાયદાનો રક્ષક જ જો ખોટા સાથે હોય તો ન્યાય કોણ લાવશે?