મરચાં , ટામેટા ,ભીંડામાં ભેજથી પેદા થતી સમસ્યા
ચોમાસાની ઋતુમાં ગુજરાતના ખેડૂતમિત્રો મરચાં , ટામેટા ,ભીંડા અને રીંગણ જેવા શાકભાજી પાકનું મોટાપાયે વાવેતર કરે છે. આ પાકો માર્કેટમાં સારા ભાવ આપે છે અને ખેડૂતોને ચોક્કસ આવક આપે છે. પરંતુ ચોમાસાના અંતે વધતો ભેજ અને ગરમી મળીને છોડોમાં ફૂગજન્ય રોગો અને જીવાતોના પ્રકોપને આમંત્રણ આપે છે.
વરસાદ પછી વધે છે જીવાત અને ફૂગના હુમલા
જેમજ ચોમાસું અંતિમ તબક્કામાં પ્રવેશે છે, તેમ શાકભાજી પાકમાં થ્રીપ્સ, સફેદ માખી, ઈયળ અને ફૂગજન્ય રોગો ઝડપથી ફેલાય છે. આ જીવાતો છોડના પાંદડાં, ફૂલો અને ફળોનો નાશ કરે છે. ખાસ કરીને ટામેટાં, ભીંડા અને વેલવર્ગીય શાકભાજીમાં આ નુકસાન વધુ જોવા મળે છે, જેના કારણે ફળનો સેટિંગ બગડે છે અને ફૂલ ખરવાની સમસ્યા ઊભી થાય છે.
ખેતરમાં રોગ અટકાવવા વૈજ્ઞાનિકો શું સલાહ આપે છે?
દાંતીવાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. યોગેશ પવાર જણાવે છે કે, ચોમાસાની આ અંતિમ ઋતુમાં રોગોનો ફેલાવો તીવ્ર બની શકે છે. તેથી શરૂઆતથી જ નિયંત્રણ જરૂરી છે.
રાસાયણિક દવાઓ:
ફૂગજન્ય રોગો માટે: કાર્બેન્ડેઝીમ, મેન્કોઝેબ અથવા મેટલેક્ઝીલ + મેન્કોઝેબ
જીવાતો માટે: ઇમામેકટીન બેન્ઝોએટ અથવા ઇમિડાક્લોપ્રિડ
આ દવાઓ છોડના પાંદડા, ફળ અને ફૂલોનું રક્ષણ કરે છે.
જૈવિક પદ્ધતિ અપનાવનાર ખેડૂતો માટે સલાહ
જે ખેડૂતોએ જૈવિક ખેતી અપનાવી છે તેઓ માટે પણ ઉકેલ ઉપલબ્ધ છે:
ફૂગજન્ય રોગો માટે: ટ્રાયકોડર્મા અને સુડોમોનાસ
જીવાતો માટે: બીવેરિયા અને મેટારાઈઝમ
પ્રાકૃતિક ઉપાય તરીકે: લીંબોળીનું તેલ અને છાશનો છંટકાવ
આ ઉપરાંત, છોડમાં પોષક તત્વની ઉણપના લીધે ફળો યોગ્ય રીતે વિકસતા નથી. માટે મલ્ટીગ્રેડ માઇક્રોન્યુટ્રિએન્ટનો છંટકાવ કરવો જોઈએ જેથી છોડને જરૂરી પોષણ મળે.
દરરોજ નિરીક્ષણ જરૂરી, ઉકેલ સમયસર કરવો જરૂરી
આ ઋતુમાં ખેડૂતોએ પોતાનું ખેતર દરરોજ નિહાળવું જોઈએ. રોગ કે જીવાતના લક્ષણો દેખાય ત્યારે તરત જ નિયંત્રણ શરૂ કરવું જોઈએ. જો રોગ/જીવાત સમયસર અટકાવવામાં આવે તો પાકનું નુકસાન રોકી શકાય છે અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે.
વધુ ઉત્પાદન અને સારી આવક માટે તૈયારી
યોગ્ય માર્ગદર્શન અને સમયસર કાળજીના આધારે ખેડૂતો શાકભાજી પાકમાંથી વધુ ઉત્પાદન મેળવી શકે છે. શાકભાજીનો સારો ભાવ બજારમાં મળે છે, તેથી ઉત્પાદનની ગુણવત્તા જાળવી રાખવી એ આવકમાં વધારો કરવાનો સરળ રસ્તો છે.
શાકભાજી પાકમાં આવતા રોગો અને જીવાતો પર કાબૂ મેળવવા માટે રાસાયણિક અને જૈવિક બંને પદ્ધતિનો સંતુલિત ઉપયોગ કરવો ખુબ જ ફળદાયક સાબિત થાય છે.