નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એન્કાઉન્ટર દરમિયાન એક આઈએસઆઈએસ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાતના એન્કાઉન્ટર બાદ દિલ્હીના સ્પેશિયલ સેલે આતંકીને પકડ્યો હતો.
ધૌલા કુઆ રીંગ રોડ પરથી ઝડપાયેલા આ આતંકવાદી પાસેથી મોટી સંખ્યામાં આઈઈડી પણ મળી આવી છે. પોલીસ ઉપાયુક્ત (ડીસીપી) પ્રમોદસિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે અમારી વિશેષ ટીમે આઈઈડી સાથે આતંકવાદીની ધરપકડ કરી છે. જયારે અન્ય એક આતંકવાદી ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. જેને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, આ સાથે જ શંકાસ્પદ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) દેશમાં આતંકવાદી પ્રવૃતિઓ ચલાવવા માટે વિવિધ સોશિયલ મીડિયા ફોરમ દ્વારા યુવાનોની ભરતી કરીને તેના આધારને મજબૂત બનાવવા માગે છે.