આવો દાવો કરીને પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે એમ પણ કહ્યું કે આનંદીબહેનના ગ્રુપના વિધાનસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં કરી શકે છે નોટાનો ઉપયોગ.
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે ગઈ કાલે અમદાવાદમાં મીડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો કે ગુજરાત BJPના બાવીસ પાટીદાર વિધાનસભ્યો સાથે અમે સંપર્કમાં છીએ અને રાજ્યસભાની ચૂંટણીમાં આનંદીબહેનના ગ્રુપના છ વિધાનસભ્યો ‘નોટા’નો ઉપયોગ કરી શકે છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આગામી પાંચ ઑગસ્ટે કાર્યકર્તા સંમેલન યોજાવાનું છે જેની બેઠક માટે ગઈ કાલે અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલા કડવા પાટીદાર સમાજનાં કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા સંચાલિત ઉમિયાધામ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અને અન્ય પાટીદાર યુવાનો આવી પહોંચ્યા હતા. જોકે પોલીસે તેમને ઉમિયાધામ કૅમ્પસમાં જતા રોક્યા હતા.
હાર્દિક પટેલે આ બાબતનો વિરોધ કરીને આક્ષેપ કરતાં મીડિયાને કહ્યું હતું કે ‘સમાજના હિત માટે હું કાર્યક્રમ કરું છું. ખોડલધામ, ઉમિયાધામ સંસ્થા અમારી સાથે છે; પણ સરકારે પોલીસને આગળ કરીને દાદાગીરી અને ગુંડાગીરીના ઇશારે પાટીદારોને દબાવવાનો પ્રયાસ કર્યો છે. સમાજના યુવાનો સમાજની વાડીમાં કાર્યક્રમ ન કરે તો બીજે ક્યાં કરે? આ BJPની દાદાગીરી છે અને પોલીસનો દુરુપયોગ કરી રહી છે. BJPના પાટીદાર વિધાનસભ્યોને રિક્વેસ્ટ કરી હતી કે ૧૪ પાટીદાર યુવાનોની હત્યા કરી છે તો રાજ્યસભાની ચૂંટણીમાં એક વાર સમાજની સાથે છીએ એ બતાવી દો અને ‘નોટા’નો ઉપયોગ કરો. BJPના ૪૧ પાટીદાર વિધાનસભ્યો છે. એમાંથી અમે બાવીસ પાટીદાર વિધાનસભ્યોના સંપર્કમાં છીએ. તેમને અહીં બોલાવ્યા હતા. ચારથી પાંચ વિધાનસભ્યોને કન્વિન્સ કરતાં તેઓ અહીં આવવાના હતા, પણ BJPનો ડર છે. આનંદીબહેનના ગ્રુપના વિધાનસભ્યો છે તેઓ ‘નોટા’નો ઉપયોગ કરી શકે છે.BJPના ૪૧ વિધાનસભ્યો છે એમાંથી બાવીસ વિધાનસભ્યોને રૂબરૂ મળ્યા હતા. છ વિધાનસભ્યોને મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે સમાજ પ્રત્યેની વફાદારી નિભાવવા પ્રયાસ કરીશું.’