તમે ગણેશજીના અનેકો ભક્તની અનોખી ભક્તિ જોઈ હશે, પરંતુ મુંબઈની રમા શાહની ભક્તિ જરા હટ કે છે. તેમની ભક્તિ સાથે ટેલેન્ટ પણ છૂપાયેલું છે, જેને લીધે તેમણે અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે. રમા શાહે છેલ્લાં 20 વર્ષમાં 4 લાખથી વધારે ગણેશજીની મૂર્તિઓ બનાવી છે. તેમાં અનેક એવી મૂર્તિઓ પણ સામેલ છે, જે તેમણે આંખો પર પટ્ટી બાંધી બનાવી છે. રમા અનોખી મૂર્તિ કળા ધરાવે છે. તેમણે આંખો પર પટ્ટી બાંધી 3 મિનિટમાં સૌથી નાની ગણેશજીની મૂર્તિ બનાવી ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેઓ છેલ્લા 20 વર્ષથી અત્યાર સુધી લગભગ બઘી જ સાઈઝની આશરે 4 લાખ 25 હજાર ગણેશજીની મૂર્તિઓ બનાવી ચૂક્યા છે. તેમાંથી 1 હજારથી વધારે મૂર્તિઓ તેમણે આંખો પર પટ્ટી બાંધીને બનાવી છે.