નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ઊંડે સુધી જડ ઘાલી ગયેલા ર્ધાર્મિક મતભેદો અને અણગમા સમગ્ર વિશ્વમાં સમુદાયોને વિભાજિત કરે છે, દેશો અને સમાજોમાં યુદ્ધનાં બી વાવે છે. તેનાથી છુટકારો મેળવવાનો એકમાત્ર વિકલ્પ મંત્રણા છે. એકબીજા સાથે સંકળાયેલું અને આધાર રાખતું ૨૧મી સદીનું વિશ્વ ક્લાઇમેટ ચેન્જ અને આતંકવાદ જેવા સંખ્યાબંધ વૈશ્વિક પડકારો સામે ઝઝૂમી રહ્યું છે. મને આત્મવિશ્વાસ છે કે એશિયાની મંત્રણા તથા ચર્ચાની પૌરાણિક પરંપરાઓ જ આ વિવાદો અને મતભેદોનો ઉકેલ લાવી શકશે. મોદીએ જણાવ્યું હતું કે, હું મુશ્કેલ મુદ્દાઓ પર મંત્રણામાં દૃઢ વિશ્વાસ ધરાવતી પૌરાણિક ભારતીય પરંપરાનું સર્જન છું. અત્રે જણાવવાનું કે ડોકા લા વિવાદ મુદ્દે ચીન સતત ભારતની મંત્રણા અને વાતચીતની અપીલને ફગાવીને યુદ્ધની ધમકીઓ આપ્યાં કરે છે. શનિવારે પણ એક વધુ ધમકી અપાઈ કે ભારતને પીછેહટ કરવા મજબુર કરવા માટે ચીન બે અઠવાડિયાની અંદર નાનું સૈન્ય ઓપરેશન કરી શકે છે.
યાંગોનમાં આયોજિત સંવાદ કાર્યક્રમને મોકલેલા વીડિયો સંદેશામાં મોદીએ જણાવ્યું હતું કે, પૌરાણિક ભારતનો તર્કશાસ્ત્રનો અભિગમ મંત્રણા અને ચર્ચા માટે જ સ્થાપિત કરાયો હતો. જેમાં ટકરાવ ટાળવા માટેનાં મંતવ્યોની આપલેનું મોડલ અપાયું છે.
વિવિધ ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતામાં વિચારોની માનવીય પરંપરાનાં નેતૃત્વમાં મતભેદોના ઉકેલ મેળવવા તે સ્વાભાવિક છે. ભગવાન રામ, કૃષ્ણ, બુદ્ધ અને ભક્ત પ્રહ્લાદનું ઉદાહરણ આપતાં મોદીએ જણાવ્યું હતું કે, દરેકે ધર્મની સુરક્ષા માટે પગલાં લેવાયા હતાં, જેને કારણે જ ભારતીયો પૌરાણિક યુગથી આધુનિક યુગ સુધી ટકી શક્યા છે.