અમદાવાદ તા. ૭ : બેંગ્લોર શિફટ કરવામાં આવેલા ગુજરાતના કોંગ્રેસના ૪૪ ધારાસભ્યો ચુસ્ત સુરક્ષા વચ્ચે અમદાવાદ પાછા ફર્યા છે. કાલે રાજ્યસભાની ૩ બેઠકો માટે રસપ્રદ ચૂંટણી યોજાવાની છે. તે પૂર્વે ભાજપ અને કોંગ્રેસ મરણિયા બન્યા છે. બંને પક્ષ ચૂંટણી જંગ જીતવા પોતપોતાની વ્યૂહરચના ઘડી રહ્યા છે. આ ચૂંટણી ઉપર દેશભરની નજર છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ અહિં આવી ગયા છે અને બેઠકોના દોર ચલાવી રહ્યા છે.
રાજયસભાની ચૂંટણી પહેલા સર્જાયેલી રાજકીય પક્ષ પલટા બાદ કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોને કર્ણાટકના બેંગલુરૂ પાસે આવેલા એક ખાનગી રિસોર્ટમાં મોકલી દેવાયા હતા. આ ૪૪ ધારાસભ્યો એક સાથે ઈન્ડિગોની ફલાઈટમાં અમદાવાદ સોમવારે વહેલી સવારે ૪.૪૫એ એરપોર્ટ પર પહોંચ્યા હતા. સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ખામીન સર્જાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો એરપોર્ટ પર ખડકી દેવામાં આવ્યો હતો. આ સાથે કોંગ્રેસના કાર્યકરો અને યુથ કોંગ્રેસના કાર્યકરો પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો એરપોર્ટ પર પહોંચે તે પહેલા જ બે ખાનગી બસોને ડોમેસ્ટિક એરપોર્ટ પાસે લાવીને ઉભી રાખવામાં આવી હતી. જેવા ધારાસભ્યો એરપોર્ટ પર પહોંચ્યા તેમને પોલીસના સુરક્ષા બંદોબસ્ત સાથે બસમાં બેસાડી દેવામાં આવ્યા અને અહીંથી બસ તાત્કાલિક બોરસદ-આણંદ હાઈવે પર આવેલા નિજાનંદ રિસોર્ટ માટે નીકળી ગઈ હતી.
એરપોર્ટથી ઉપડ્યા બાદ એક બસ બગડી હતી, એન્જિનમાં કોઈ ખામી આવવાથી આ બસ બગડી હતી. પણ કેટલીક પોલીસકર્મીઓએ ધક્કો માર્યો અને બસ ચાલું થઈ ગઈ હતી. DCP પ્રતિક્ષા ગુર્જરે જણાવ્યું કે, 1 DCP, 4 ACP, 4 PI અને ૯૫ હથિયારધારી પોલીસકર્મીઓ ૪૪ ધારાસભ્યોની સુરક્ષા માટે આણંદ-બોરસદ હાઈવે પર આવેલા રિસોર્ટ પર તૈનાત કરાયા છે. પરંતુ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી આ કાફલાથી સંતુષ્ટ નહોતા. ધારાસભ્યો એરપોર્ટ પર પહોંચ્યા તે પહેલા ભરતસિંહે જણાવ્યું હતું કે, સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત લાગી રહ્યો છે પણ ખાતરી ત્યારે જ થશે જયારે ધારાસભ્યો ૮ તારીખે વિધાનસભા પર રાજયસભાની ચૂંટણી માટે સુરક્ષિત રીતે પહોંચશે.
અમદાવાદની દાણીલીમડા બેઠક પરના ધારાસભ્ય શૈલેશ પરમારે પણ ભરતસિંહે વ્યકિત કરેલી ચિંતાને વ્યકત કરી. પરમારે આક્ષેપ કર્યા કે, સત્તામાં બેઠેલી ભાજપ સરકાર પોતાની શકિત અને કાયદો-વ્યસ્થાનો ઉપયોગ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલ જરૂર જીતશે.
ગુજરાતમાં આવતી કાલે થનારી રાજયભાની ૩ બેઠકો માટે ચૂંટણી થવાની છે. જેમાં કોંગ્રેસને ૪૪ મતો જીતવા માટે જરૂરી છે. જયારે ભાજપના સ્મૃતિ ઈરાની, ભાજપ અધ્યક્ષ અમિત શાહની જીત પાકી છે પણ ભાજપના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતની જીત માટે વધુ એક ડઝન જેટલા મતોની જરુર પડશે. કોંગ્રેસની તાકાત ૫૭ ધારાસભ્યો સાથે હતી જોકે, ૬ ધારાસભ્યોએ કોંગ્રેસથી છેડો ફાડી નાખ્યો અને ભાજપમાં જોડાઈ ગયા. તો હજુ પણ અહેમદ પટેલની સામે કેટલાક ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. કોંગ્રેસમાં વધુ ભંગાણ ન પડે તે માટે કોંગ્રેસના ૪૪ ધારાસભ્યો ૨૯ જુલાઈએ બેંગલુરૂ માટે રવાના થયા હતા.
ભાજપ – કોંગ્રેસના વિજયના દાવા
અમદાવાદ : ચૂંટણી પૂર્વે ભાજપ – કોંગ્રેસ વિજયના દાવા કરી રહ્યા છે. અહેમદ પટેલે કહ્યું છે કે, અમે વિજય માટે વિશ્વાસ ધરાવીએ છીએ. બધા ધારાસભ્યો અમારી સાથે જ છેઃ તેઓ આજે કોંગી ધારાસભ્યોને મળી રહ્યા છે. તેમને જીતવા ૪૬ મતો જોઇએઃ પણ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે કોંગ્રેસના ૪૭ ધારાસભ્યો વધ્યા છે