નવી દિલ્હી: સ્વિટ્ઝર્લૅન્ડ સરકારે જણાવ્યું હતું કે ભારતના કડક અને વિશ્ર્વસનીય ડૅટા સલામતી કાયદાઓને લીધે તેની સાથે બૅન્કોની માહિતીનું ઑટૉ-શૅરિંગ (આપમેળે આપ-લે) કરવાનો નિર્ણય લેવાયો છે.
સ્વિટ્ઝર્લૅન્ડની બૅન્કોમાં અગાઉ ગુપ્ત રખાતી ભારતીયોના કાળાં નાણાંની માહિતી આ નિર્ણયનો અમલ શરૂ થતાં ભારતને સતત મળતી રહેશે.
સ્વિસ સરકારે ‘ભારત સાથે નાણાકીય ખાતાંને લગતી માહિતીની આપમેળે આપલે’ અંગે ગૅઝૅટમાં પ્રસિદ્ધ કરેલા વિગતવાર જાહેરનામા અને ‘ફૅક્ટ શીટ’માં લિખ્તેન્ટાઇન અને બહામાસ જેવા અન્ય આર્થિક કેન્દ્રો દ્વારા લેવાયેલા આવા જ નિર્ણયને પણ ટાંક્યા હતા.
સ્વિસ સરકારે એ વાતની પણ નોંધ લીધી હતી કે અમેરિકાની ટૅક્સ ઑથૉરિટી – ઇન્ટરનલ રૅવૅન્યૂ સર્વિસ કરવેરાની માહિતીની આપ-લે કરવા માટે યોગ્ય દેશોમાં ભારતનો પણ સમાવેશ કરે છે.
જર્મનમાં પ્રસિદ્ધ થયેલા આ જાહેરનામા અને ફૅક્ટ શીટમાં જણાવાયું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડ રિઇન્સ્યુરન્સ ક્ષેત્ર અને અન્ય નાણાકીય સેવા સહિતની ભારતીય બજારમાં પોતાનો વ્યાપાર વધારવા માગે છે.
યુરોપના આ રાષ્ટ્રની અગ્રણી સંસ્થા – સ્વિસ ફૅડરલ કાઉન્સિલે ભારતની સાથે નાણાકીય ખાતાંની માહિતીની આપમેળે આપ-લે કરવાની બાબતને જૂનમાં મંજૂરી આપી હતી અને તેનો અમલ શરૂ થાય તે પછી ભારતને ભારતીયોના સ્વિસ બૅન્કોમાંના કાળાં નાણાંની માહિતી જલદી મળી જશે. ભારત અને સ્વિટ્ઝર્લૅન્ડ વચ્ચે કાળાં નાણાંને લગતી માહિતીની આપમેળે આપલેની યંત્રણા ૨૦૧૮થી શરૂ કરવાની હાલમાં યોજના છે અને આવા પ્રથમ ડૅટાના સૅટની ૨૦૧૯માં આપલે થવાની આશા રખાય છે. સ્વિટ્ઝર્લૅન્ડ વિદેશીઓના કાળાં નાણાં રાખવા માટેનું ‘સ્વર્ગ’ ગણાય છે અને ભારતમાં તે અંગે ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી છે.
સ્વિટ્ઝર્લૅન્ડની સરકારે સંબંધિત જાહેરનામાના ભાગરૂપ ‘ફૅક્ટ શીટ’માં ભારત સરકારની કરારના અમલ માટેની કટિબદ્ધતાની પ્રશંસા કરી હતી.