આણંદમાં સામાજીક પ્રસંગે આવેલા એન.સી.પી નેતા પ્રફુલ્લ પટેલે આપ્યા સંકેત,૨૦૧૭ની ચૂંંટણી એન.સી.પી સ્વતંત્ર લડી શકે છે : ૨૦૧૨માં કોંગ્રેસે એન.સી.પી સાથે દગો કર્યો હતો – પ્રફુલ્લ પટેલ
ગુજરાતની હાલની પ્રવાહી રાજકીય સ્થિતિનો લાભ લેવા એન.સી.પી દ્વારા પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવશે તેવા સંકેત એન.સી.પી નેતા પ્રફુલ્લ પટેલ દ્વારા વ્યક્ત કરાયા છે. આજે આણંદ ખાતે સામાજીક પ્રસંગે આવેલા એન.સી.પીના રાષ્ટ્રીય નેતા પ્રફુલ્લ પટેલે મીડિયા સાથે ચર્ચા દરમ્યાન કોંગ્રેસ પર કેટલાક ગંભીર આક્ષેપો કર્યા હતા અને રાજ્યમાં હાલની પ્રવાહી રાજકીય સ્થિતિ માટે કોંગ્રેસને જ જવાબદાર ઠેરવી હતી.
આણંદમાં સી.પી.પટેલ કોલેજમાં આજરોજ મણીભાઇ પટેલનું બેસણું રાખવામાં આવ્યું હતું. મૃતક મણીભાઇ પટેલ અને ભીખુભાઇ પટેલના પારિવારીક સંબંધોને કારણે બેસણાના કાર્યક્રમમાં એન.સી.પી નેતા પ્રફુલ્લ પટેલ પણ આવ્યા હતા. જે બાદ તેઓએ મીડિયા સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમ્યાન પ્રફુલ્લ પટેલ દ્વારા કરાયેલા શાબ્દિક પ્રહારોથી હવે એન.સી.પી અને કોંગ્રેસના સબંધોમાં તિરાડ પડી હોય તે સ્પષ્ટ થઇ રહ્યું હતું. પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ૨ વર્ષથી એન.સી.પીને કોઇ પણ સાથે ગઠબંધન રહ્યું નથી. છેલ્લા એક વર્ષથી એન.સી.પી ગુજરાતમાં પોતાનું પ્રભુત્વ વધારે મજબૂત બનાવવાના પ્રયાસોમાં તેઓને સફળતા મળી રહી છે. જેથી આગામી સમયમાં ગુજરાતની અંદર એન.સી.પી એક વધુ સારો અને સશક્ત વિકલ્પ તરીકે ઉભરી આવશે તેવા સંકેત પ્રફુલ્લ પટેલે આપ્યા હતા.
બીજી તરફ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા પટેલે એમ પણ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા એન.સી.પી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો.જેમાં પહેલા ૯ સીટો પર ગઠબંધન કરવાની વાત કરીને પાછળથી પાંચ સીટો પર કોંગ્રેસના ઉમેદવારોને મેન્ડેટ આપી દેવામાં આવ્યા હતા. જેના કારણે એન.સી.પીને ગુજરાતમાં કેટલીક સીટોનું નુુકસાન થયું હતુ. પ્રફુલ્લ પટેલની આ વાત પરથી લાગી રહ્યું છે કે ૨૦૧૭ની ચૂંટણીમાં એન.સી.પી ૨૦૧૨નો બદલો લેવા જરૂર પ્રયાસ કરશે અને સ્વતંત્ર ઉમેદવારોને ઉભા રાખી કોંગ્રેસને ભારે નુકસાન કરશે. જોકે હાલ તો આ સમગ્ર સ્થિતિ જો અને તો વચ્ચે છે. સાચી સ્થિતિનો અંદાજ તો ઉમેદવારોની જાહેરાત અને ચૂંટણી ફોર્મ ભરવા સમયે થઇ જ જશે. પરંતુ પ્રફુલ્લ પટેલની આણંદ મુલાકાત અને આ પ્રકારની જાહેરાતો કોંગ્રેસ માટે ઊંઘ ઉડાડનારી બની રહેશે તે વાત નક્કી છે. જો કે રાજયસભાની ચૂંટણીમાં એન.સી.પી કઇ પાર્ટીના ઉમેદવારને મત આપશે તે બાબતે પ્રફુલ્લ પટેલે કોઇ સ્પષ્ટતા કરી ન હતી. તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ગુજરાતમાં સીલેક્ટેડ પધ્ધતિથી રાજયસભાના ઉમેદવારોની પસંદગી થતી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસના ૧૪ ધારાસભ્યો બાગી બની જતા રાજકીય પ્રવાહી સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે રાજ્યસભાના ઇલેક્શનમાં એન.સી.પીના માત્ર બે જ વોટ છે, તેમ છતાં તેમના વોટનું મહત્વ વધવા પાછળ હાલની રાજકીય સ્થિતિ જવાબદાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. જોકે આ રાજ્યસભાના ઇલેક્શનમાં એન.સી.પીના બે વોટ કોને મળશે તે અંગે હજુ નિર્ણય નથી લેવાયો, પાર્ટીના અધ્યક્ષ અને એમ.એલ.એ સાથે ચર્ચા કરી તે અંગે નિર્ણય લેવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.