અમદાવાદ તા.૮ : તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષને રામ-રામ કરનાર શંકરસિંહ વાઘેલાએ આજે સવારે મતદાન કર્યા બાદ એવો ધડાકો કર્યો હતો કે મે મારો મત કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને નથી આપ્યો કારણ કે કોંગ્રેસ હારી રહી છે.
શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ હારતી હોવાથી તેના ઉમેદવારને મત આપવાનો કોઇ મતલબ નથી. અત્રે એ નોંધનીય છે કે તેમણે અગાઉ જાહેરાત કરી હતી કે હું મારા પરમ મિત્ર અહેમદ પટેલ મત આપીશ અને અહેમદ પટેલ પણ આશા રાખતા હતા કે શંકરસિંહ મિત્રતા નિભાવી તેમને મત આપશે પરંતુ આજે શંકરસિંહે મિત્રતા તોડી જાહેરાત કરી હતી કે મેં અહેમદ પટેલને મત નથી આપ્યો.
દરમિયાન બાગી ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે પણ આજે મતદાન કર્યા બાદ જણાવ્યુ હતુ કે, દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ કરી રહ્યો છે તેથી મારો મત મે ભાજપના ઉમેદવારને આપ્યો છે.