બેંગલુરુ: ઉબેરે 26 ઓગસ્ટ, બુધવારે ભારતમાં ઓટો ભાડા સેવા શરૂ કરી, જે માંગના આધારે સાત દિવસ અને 24 કલાક ઉપલબ્ધ રહેશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ સેવા દ્વારા મુસાફરો ઘણા કલાકો સુધી ઓટો અને તેના ડ્રાઇવરને બુક કરાવી શકે છે અને તેમને મુસાફરી દરમિયાન ઘણા સ્થળોએ રોકાવાની છૂટ આપવામાં આવશે.
કંપનીએ કહ્યું કે, આ સેવા હાલમાં બેંગલુરુ, દિલ્હી એનસીઆર, મુંબઇ, હૈદરાબાદ, ચેન્નઈ અને પુણેમાં ઉપલબ્ધ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક કલાક અથવા દસ કિલોમીટરના પેકેજની કિંમત 169 રૂપિયાથી શરૂ થાય છે, અને વધુમાં વધુ આઠ કલાક સુધી બુક કરાવી શકાય છે.
ઉબેર ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના માર્કેટ પ્લેસ અને કેટેગરીઝના વડા નીતિશ ભૂષણએ જણાવ્યું હતું કે, ભારતમાં આ પહેલો નવીન પ્રયાસ છે અને ડ્રાઈવર અને મુસાફરો બંને માટે કેવી રીતે તકનીકીનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ છે.