KKR vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદનો ભવ્ય વિજય, ઉનાડકટ અને મલિંગાની વેધક બોલિંગ સામે કોલકાતા નતમસ્ત
IPL 2026 ની છઠ્ઠી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) શાનદાર પ્રદર્શન કરતા કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ને તેમના જ ઘર આંગણે 65 રને પરાજય આપ્યો છે. ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હૈદરાબાદે બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં પ્રભુત્વ જમાવીને આ સીઝનની પોતાની પ્રથમ જીત નોંધાવી છે. બીજી તરફ, KKR ને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે.
હૈદરાબાદનો રનનો પહાડ: ક્લાસેન અને શર્માની આક્રમક બેટિંગ
મેચની શરૂઆતમાં KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ SRH ના બેટ્સમેનોએ આ નિર્ણયને ખોટો સાબિત કર્યો. હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 226 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
ટીમ તરફથી હેનરિક ક્લાસેને સૌથી વધુ 52 રન ફટકાર્યા હતા. તેને ઓપનર અભિષેક શર્મા (48 રન) અને ટ્રેવિસ હેડ (46 રન) તરફથી મજબૂત સાથ મળ્યો હતો. KKR તરફથી બોલિંગમાં બ્લેસિંગ મુઝરબાનીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે વૈભવ અરોરાને 2 વિકેટ મળી હતી.
KKR નો ધબડકો: રઘુવંશીની લડત એળે ગઈ
227 રનના કપરા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમનો સ્કોર જ્યારે 30 રન હતો ત્યારે જ ફિન એલન પેવેલિયન ભેગા થઈ ગયા હતા. કેપ્ટન અજિંક્ય રહાણે પણ માત્ર 8 રન બનાવીને આઉટ થઈ જતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી.
જોકે, યુવા બેટ્સમેન અંગકૃષ રઘુવંશીએ એક છેડો સાચવી રાખ્યો હતો અને 52 રનની લડાયક ઈનિંગ રમી હતી. મધ્યમ ક્રમમાં રિંકુ સિંઘ પાસે મોટી આશા હતી, પરંતુ તે પણ 35 રન બનાવી આઉટ થઈ ગયો હતો. અંતે KKR ની આખી ટીમ 16 ઓવરમાં માત્ર 161 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઉનાડકટ અને મલિંગાનો જાદુ
હૈદરાબાદની જીતમાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અનુભવી ફાસ્ટ બોલર જયદેવ ઉનાડકટે સૌથી વધુ 3 વિકેટ ઝડપીને KKR ની કમર તોડી નાખી હતી. તેને યુવા બોલર ઈશાન મલિંગા અને નીતિશ રેડ્ડીનો સારો સાથ મળ્યો હતો, જેમણે 2-2 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદે પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલી દીધું છે અને વિરોધી ટીમોને ચેતવણી આપી દીધી છે.

