ફિન એલને પ્રથમ ઓવરમાં જ મચાવ્યો તરખાટ: 24 રન ફટકારી IPLમાં આ મોટો રેકોર્ડ બનાવનાર પ્રથમ વિદેશી ખેલાડી બન્યો
KKR vs SRH: કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને ભલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેના મુકાબલામાં 65 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ આ મેચમાં તેમના ઓપનિંગ બેટ્સમેન ફિન એલન એક અદભૂત સિદ્ધિ મેળવવામાં સફળ રહ્યા હતા. હાર છતાં એલનની આક્રમક બેટિંગે ચાહકોના દિલ જીતી લીધા હતા.
ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનો છઠ્ઠો મુકાબલો કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયો હતો. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને આ સિઝનમાં પોતાની જીતનું ખાતું ખોલ્યું હતું. કેકેઆરની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ હૈદરાબાદે સ્કોરબોર્ડ પર 226 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. રન ચેઝ કરવા ઉતરેલી કેકેઆરની શરૂઆત ખૂબ જ ધમાકેદાર રહી હતી. ફિન એલને પ્રથમ ઓવરમાં જે ગતિએ રન બનાવ્યા તેનાથી હૈદરાબાદની ટીમ દબાણમાં આવી ગઈ હતી, જોકે તે આઉટ થતા જ હૈદરાબાદે મેચમાં વાપસી કરી હતી.
પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર વિદેશી ખેલાડી
ફિન એલન આ મેચમાં અજિંક્ય રહાણે સાથે ઓપનિંગ કરવા ઉતર્યો હતો. મેચના પ્રથમ બોલ પર રહાણેએ એક રન લઈને એલનને સ્ટ્રાઈક આપી હતી. ત્યારબાદ ફિન એલને બાકીના 5 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને કુલ 24 રન ઝૂડી કાઢ્યા હતા. આ સાથે જ ફિન એલન IPLના ઇતિહાસમાં મેચની પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર પ્રથમ વિદેશી ખેલાડી બની ગયો છે.
અગાઉ આ રેકોર્ડ તેની જ ટીમના સાથી ખેલાડી સુનીલ નરેનના નામે હતો. નરેને વર્ષ 2018માં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પ્રથમ ઓવરમાં 21 રન બનાવ્યા હતા. ફિન એલને માત્ર 7 બોલમાં 28 રન રમીને આ નવો ઈતિહાસ રચ્યો છે.
𝐀𝐥𝐥-𝐈𝐧 𝐀𝐥𝐥𝐞𝐧 💥
A short, but impactful cameo from Finn Allen ends – but not before giving #KKR a solid start! 💪#TATAIPL 2026 | #KKRvSRH | LIVE NOW 👉 https://t.co/ySCLEcJOUA pic.twitter.com/wvqAmvuKOR
— Star Sports (@StarSportsIndia) April 2, 2026
પૃથ્વી શોની કરી બરાબરી, યશસ્વી હજુ પણ ટોપ પર
IPLની મેચમાં ઇનિંગની શરૂઆત કરતી વખતે પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હજુ પણ યશસ્વી જાયસવાલના નામે છે. જાયસવાલે 2023ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પ્રથમ ઓવરમાં 26 રન ફટકાર્યા હતા. ફિન એલન હવે આ યાદીમાં પૃથ્વી શોની સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે આવી ગયો છે. પૃથ્વી શોએ 2021ની સીઝનમાં KKR સામે જ પ્રથમ ઓવરમાં 24 રન બનાવ્યા હતા.
IPLની પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદી:
- યશસ્વી જાયસવાલ: 26 રન (વિરુદ્ધ KKR, 2023)
- પૃથ્વી શો: 24 રન (વિરુદ્ધ KKR, 2021)
- ફિન એલન: 24 રન (વિરુદ્ધ SRH, 2026)
- યશસ્વી જાયસવાલ: 22 રન (વિરુદ્ધ PBKS, 2025)
- નમન ઓઝા: 21 રન (વિરુદ્ધ KKR, 2009)
- સુનીલ નરેન: 21 રન (વિરુદ્ધ RR, 2018)
