હોર્મુઝની હવે જરૂર નહીં રહે! ઈરાનના પ્રભુત્વને પડકારવા ખાડી દેશોનો ‘પ્લાન 4 પાઇપલાઇન’
દુનિયાભરમાં તેલ અને ગેસના સપ્લાય માટે અત્યાર સુધી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ સૌથી મહત્વનો માર્ગ ગણાય છે, પરંતુ હવે ખાડી દેશોએ આ રૂટ પરની નિર્ભરતા ખતમ કરવા માટે કમર કસી લીધી છે. આ માટે ખાડી દેશોમાં 4 મોટી તેલ અને ગેસ પાઇપલાઇન બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો આ પ્રોજેક્ટ્સ સફળ થશે, તો તેલ સપ્લાય માટે હોર્મુઝની કોઈ જરૂરિયાત રહેશે નહીં, જે આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ ધરાવતા ઈરાન માટે એક મોટો આંચકો સાબિત થઈ શકે છે.
કેમ પડી રહી છે વૈકલ્પિક માર્ગની જરૂર?
રિપોર્ટ અનુસાર, હાલમાં ઈરાન અવારનવાર હોર્મુઝના રૂટને પ્રભાવિત કરવાની ધમકી આપતું હોય છે. આ જોખમને ટાળવા માટે ખાડી દેશો પાઇપલાઇન દ્વારા તેલ મોકલવાની દિશામાં વિચારી રહ્યા છે. સાઉદી અરેબિયાએ 1980ના દાયકામાં જ આવો એક વિકલ્પ તૈયાર કર્યો હતો, જે અત્યારે ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યો છે. હાલમાં આ પાઇપલાઇન દ્વારા દરરોજ અંદાજે 70 લાખ બેરલ ક્રૂડ ઓઈલ સપ્લાય કરવામાં આવે છે. આ સફળતાને જોઈને હવે અન્ય ચાર પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તૈયારી ચાલી રહી છે.
કયા છે આ 4 મુખ્ય પાઇપલાઇન પ્રોજેક્ટ્સ?
- ઇરાક-તુર્કી પાઇપલાઇન: આ પ્રસ્તાવિત પાઇપલાઇન ઇરાકના કિર્કુકથી તુર્કીના સિયાન સુધી જશે. આશરે 970 કિમી લાંબી આ પાઇપલાઇન દ્વારા તેલ સીધું ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચી શકશે.
- હદીથા-અકાબા પાઇપલાઇન: આ 1154 કિમી લાંબી પાઇપલાઇન ઇરાકના હદીથાથી જોર્ડનના અકાબા બંદર સુધી જશે. જેનાથી લાલ સમુદ્ર (Red Sea) દ્વારા તેલની નિકાસ સરળ બનશે.
- UAE-ફુજૈરાહ પાઇપલાઇન: સંયુક્ત આરબ અમીરાત (UAE) થી ઓમાનના ફુજૈરાહ સુધી 354 કિમીની પાઇપલાઇન બનાવવાની યોજના છે. ફુજૈરાહથી તેલ સીધું જ આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ અવરોધ વગર મોકલી શકાશે.
- સાઉદી ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન: સાઉદી અરેબિયા પહેલાથી જ પાઇપલાઇન ધરાવે છે, પરંતુ હવે વધુ એક 1200 કિમી લાંબી લાઇન નાખવાની ચર્ચા છે જે સીધી લાલ સમુદ્ર સાથે તેલ ઉત્પાદન ક્ષેત્રોને જોડશે.
IMEC કોરિડોર અને ભારતની ભૂમિકા
આ યોજનાઓમાં ‘ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર’ (IMEC) ને ફરી સક્રિય કરવાની પણ વાત છે. આ કોરિડોર ઇઝરાયેલ, જોર્ડન, સાઉદી અરેબિયા અને UAE થઈને ભારત સુધી પહોંચે છે. ભારત અને ઈરાન વચ્ચેના સારા સંબંધોને કારણે આ રૂટ પર ઈરાન તરફથી કોઈ ખતરો રહેવાની શક્યતા નહિવત છે. જો આ કોરિડોર શરૂ થશે, તો દક્ષિણ એશિયામાં તેલ અને ગેસનો સપ્લાય અત્યંત સુરક્ષિત અને ઝડપી બની જશે, જેનાથી હોર્મુઝ પરની પશ્ચિમી અને એશિયન દેશોની નિર્ભરતા સંપૂર્ણપણે સમાપ્ત થઈ શકે છે.

