નવી દિલ્હી તા. ૯ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ લાગુ થયાને એક મહિનો થઇ ચૂકયો છે. જીએસટી અમલ થયા બાદ પ્રથમ વાર રવિવારે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઇ-વે બિલ (ઇલેકટ્રોનિક-વે બિલ)ને અંતિમરૂપ આપવામાં આવ્યું છે. ઇ-વે બિલ આગામી ૧ ઓકટોબરથી લાગુ થાય તેવી શકયતા છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આ બિલ સંદર્ભે ઇન્સ્પેકટર રાજ આવવાની ભીતિ સેવાઇ રહી છે, જે ઉદ્યોગો માટે પરેશાની બની શકે છે. જોકે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે ઇ-વે બિલના કારણે માલ પરિવહન ઉપર નજર રાખવામાં મદદ મળશે, જોકે અમલ થાય તે પૂર્વે નિષ્ણાતો દ્વારા કાઉન્સિલને કેટલીક ભલામણો અને સૂચનો પણ કરવામાં આવ્યાં છે, જેમાં તમામ માલ પરિવહન ઉપર ઇ-વે બિલ લાગુ થાય તેના કરતાં કેટલીક ચીજવસ્તુઓ જેવી કે માર્બલ, ગ્રેનાઇટ, પેટ્રોલિયમ ઉત્પાદન જેવી વસ્તુઓ માટે અમલ કરવો જોઇએ.
૧૦ કિલોમીટર સુધી કરમુકત વસ્તુઓ અને રૂ. ૫૦ હજાર સુધીના સામાનના માલ પરિવહન માટે ઇ-વે બિલની જરૂરિયાત નહીં રહે, જોકે તેમ છતાં પણ નિષ્ણાતોના મત મુજબ આ બિલના કારણે માનવ હસ્તક્ષેપ વધવાની શકયતા છે એટલું જ નહીં, અધિકારીઓને વધુ સત્તા આપવામાં આવી હોવાના કારણે ભ્રષ્ટાચાર પણ વધશે.