નવી ઇલેક્ટ્રિક કાર લેવાનું વિચારી રહ્યા છો? તો ભૂલથી પણ આ 5 બાબતોને નજરઅંદાજ ન કરતા!
ભારતમાં અત્યારે ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને પર્યાવરણની ચિંતા વચ્ચે લોકો EV તરફ વળ્યા છે. પહેલીવાર ઈલેક્ટ્રિક કાર ખરીદવી એ ઉત્સાહની વાત છે, પણ અધૂરી જાણકારી મોંઘી પડી શકે છે. જો તમે પણ EV લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો પાછળથી પસ્તાવો ન થાય તે માટે આ 5 ખાસ વાતો જાણી લો.
1. કુલ ખર્ચનું ગણિત સમજો
ઈલેક્ટ્રિક કારની શોરૂમ કિંમત સામાન્ય કાર કરતા થોડી વધારે હોઈ શકે છે, પરંતુ લાંબે ગાળે તે બચત કરાવે છે. જોકે, માત્ર કારની કિંમત જોઈને નિર્ણય ન લો. તેમાં લાગતા ચાર્જિંગ ઇન્સ્ટોલેશનનો ખર્ચ, દર વર્ષે આવતું વીમાનું પ્રીમિયમ અને સર્વિસ કોસ્ટનો પણ અંદાજ કાઢો. આ બધું ગણ્યા પછી જ તમને ખ્યાલ આવશે કે આ કાર તમારા બજેટમાં કેટલી ફિટ બેસે છે.
2. બેટરીની લાઈફ અને વોરંટી
કોઈપણ EVનો સૌથી મોંઘો અને મહત્વનો ભાગ તેની બેટરી છે. જો બેટરી ખરાબ થાય તો મોટું ખર્ચ આવી શકે છે. તેથી, કાર ખરીદતા પહેલા કંપની બેટરી પર કેટલા વર્ષની વોરંટી આપે છે તેની ખાસ તપાસ કરો. સામાન્ય રીતે કંપનીઓ 8 વર્ષ કે તેથી વધુની વોરંટી આપતી હોય છે. આ ઉપરાંત, ભવિષ્યમાં જો બેટરી બદલવી પડે તો તેનો અંદાજિત ખર્ચ કેટલો હશે, તે પણ જાણી લેવું જોઈએ.
3. ‘કંપનીની રેન્જ’ અને ‘રિયલ રેન્જ’ વચ્ચેનો તફાવત
કંપનીઓ દાવો કરતી હોય છે કે તેમની કાર એકવાર ચાર્જ કરવાથી 400 કે 500 કિમી ચાલશે, પરંતુ હકીકત થોડી અલગ હોઈ શકે છે. તમારી ચલાવવાની રીત, ટ્રાફિકની સ્થિતિ, ઉનાળામાં એસીનો વપરાશ અને રસ્તાની હાલત મુજબ રેન્જમાં ઘટાડો થાય છે. તેથી, માત્ર કાગળ પરની રેન્જ જોવાને બદલે ખરેખર રસ્તા પર તે કેટલા કિમી આપે છે, તે માટે રિયલ યૂઝર્સના રિવ્યૂ જરૂર વાંચો.
4. ચાર્જિંગમાં લાગતો સમય
પેટ્રોલ પંપ પર 5 મિનિટમાં ઈંધણ ભરાઈ જાય છે, પણ EV માં એવું નથી હોતું. ઘરે ચાર્જ કરવામાં 7 થી 8 કલાક કે તેથી વધુ સમય લાગી શકે છે, જ્યારે ફાસ્ટ ચાર્જર તેને જલ્દી ચાર્જ કરી શકે છે. તમારે જોવું જોઈએ કે તમારા ઘરની આસપાસ કે ઓફિસના રસ્તામાં ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન છે કે નહીં? દરરોજના વપરાશ માટે ચાર્જિંગનું પ્લાનિંગ અગાઉથી કરવું જરૂરી છે.
5. રિસેલ વેલ્યુ (ફરીથી વેચતી વખતે મળતી કિંમત)
EV ટેકનોલોજી દરરોજ બદલાઈ રહી છે. આજે જે ટેકનોલોજી લેટેસ્ટ છે, તે 5 વર્ષ પછી જૂની થઈ શકે છે. આ સંજોગોમાં જ્યારે તમે કાર વેચવા જશો ત્યારે તેની કેટલી કિંમત ઉપજશે, તે વિચારવું પણ જરૂરી છે. હંમેશા એવા બ્રાન્ડ અને મોડેલની પસંદગી કરો જેનું સર્વિસ નેટવર્ક મજબૂત હોય અને જેની માર્કેટમાં ડિમાન્ડ રહેતી હોય.

