રાજ્યના કોન્ટ્રાક્ટરોની માંગ સ્વીકારતી રૂપાણી સરકાર : અન્ય પડતર પ્રશ્નોનો પણ સત્વરે ઉકેલવા કોન્ટ્રાક્ટર એસો.નો અનુરોધ
ગુજરાત રાજયના કોન્ટ્રાકટરોની માંગણી મુજબ, રાજયના જાહેર બાંધકામના સરકારી કામોમાં જીએસટીના દર ૧૮ ટકાથી ઘટાડી ૧૨ ટકાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવતાં રાજયભરના કોન્ટ્રાકટરોમાં રાહતની લાગણી ફેલાઇ છે. ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રમુખ અરવિંદ પટેલે સરકારના આ નિર્ણયને આવકારતાં અને સરકારનો આભાર માની કોન્ટ્રાકટરોના અન્ય પડતર પ્રશ્નોના મુદ્દે પણ સત્વરે ઉકેલ લાવવા સરકારને અનુરોધ કર્યો હતો.
ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રમુુખ અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, સરકારે કોન્ટ્રાકટરોની માંગણીને ધ્યાનમાં લઇ જાહેર બાંધકામના સરકારી કામોમાં જીએસટી દર ૧૮ ટકાથી ઘટાડી ૧૨ ટકા કર્યો છે, તે સરકારનો હકારાત્મક અભિગમ છે. જો કે, હજુ પ્રગતિમાં હોય તેવા રોડ પ્રોજેકટના કામોમાં ચાર ટકા જેટલો વધારાનો આર્થિક બોજ ઘટાડવાની જરૃર છે. પડતર પ્રશ્નોના મુદ્દે એસોસીએશન દ્વારા આગામી દિવસોમાં બેઠકો બોલાવવામાં આવશે અને આ મામલે ચર્ચા વિચારણા હાથ ધરાશે. તેમણે આશા વ્યકત કરી હતી કે, કોન્ટ્રાકટરોની પડતર માંગણીઓ અંગે સરકાર સાથેની વાટાઘાટોથી નિરાકરણ આવી જશે.
ઉલ્લેખનીય છે કે, રાજયભરના કોન્ટ્રાકટરોની જીએસટી દરના વધારા, રોયલ્ટી સહિતની માંગણીઓ મામલે અગાઉ કોન્ટ્રાકટરોએ રાજયવ્યાપી હડતાળ પાડી હતી. બાદમાં સરકારની દરમ્યાનગીરી અને વરસાદી અતિવૃષ્ટિમાં સરકારના અનુરોધને ધ્યાનમાં લઇ એસોસીએશને હડતાળ મોકૂફ રાખી હતી. એ પછી સરકાર સાથેની વાટાઘાટો બાદ હકારાત્મક નિર્ણય આવતાં કોન્ટ્રાકટરોને રાહત મળી હતી.