નવી દિલ્હી: ચૂંટણી પંચે બુધવારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચાલુ વર્ષે યોજાનારી ચૂંટણીના મતદાન મશીનોમાં પૅપર ટ્રૅલ રહેશે.
સર્વોચ્ચ ન્યાયમૂર્તિ જે. એસ. ખેહરના નેતૃત્વ હેઠળની બૅન્ચે ચૂંટણી પંચની આ રજૂઆતને સ્વીકારી હતી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વૉટર વૅરિફાઇ્ડ પૅપર ઑડિટ ટ્રૅલ રાખવાની દાદ ચાહતી અરજીનો નિકાલ કર્યો હતો.
ન્યાયમૂર્તિ આદર્શકુમાર ગોયલ અને ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડનો પણ સમાવેશ કરતી બૅન્ચે જણાવ્યું હતું કે અમને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વૉટર વૅરિફાઇ્ડ પૅપર ઑડિટ ટ્રૅલ રાખવાની ચૂંટણી પંચે સોગંદનામામાં આપેલી બાંયધરીથી સંતોષ થયો છે અને તેથી સંબંધિત અરજીનો નિકાલ કરીએ છીએ.
અગાઉ, ચૂંટણી પંચના વકીલે બૅન્ચને આ કિસ્સામાંના પોતાના અસીલના સંબંધિત વલણની જાણકારી આપી હતી.
ચૂંટણીમાં વૉટર વૅરિફાઇ્ડ પૅપર ઑડિટ ટ્રૅલને મતદાન મશીન સાથે જોડીને રાખવાથી મતદાન બાદ મતદાર માટે નીકળતા કાગળનો પુરાવા તરીકે અને યોગ્ય ઉમેદવારને જ મત અપાયો હોવાનું જાણવા થઇ શકશે.
આમ છતાં, સર્વોચ્ચ અદાલતે અરજદારોની વિનંતિને પગલે ચૂંટણીમાં વૉટર વૅરિફાઇ્ડ પૅપર ઑડિટ ટ્રૅલના ઉપયોગને લગતી અરજીની વધુ સુનાવણી ગુરુવાર પર રાખી હતી.
ચૂંટણી પંચે જાહેરનામામાં જણાવ્યું હતું કે અમને ચૂંટણીમાં વૉટર વૅરિફાઇ્ડ પૅપર ઑડિટ ટ્રૅલ વાપરવા માટેના મશીનના ઉત્પાદકો પાસેથી જો સપ્ટેમ્બર સુધીમાં ૭૩,૫૦૦ મશીન મળી જશે તો તેનો ઉપયોગ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરી શકીશું.
દરમિયાન, ચૂંટણી પંચે એવો દાવો પણ કર્યો હતો કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં હાલમાં વપરાતા મતદાન મશીનોની સાથે ચેડાં થવા અશક્ય છે.
તેણે બૅન્ચને જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચાલુ વર્ષે યોજાનારી ચૂંટણીમાં મતદાન માટે અંદાજે ૭૦,૦૦૦ વૉટર વૅરિફાઇ્ડ પૅપર ઑડિટ ટ્રૅલ મશીનની જરૂર છે.
સર્વોચ્ચ અદાલત ગુજરાતના એક પાટીદાર નેતાએ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મતદાનપત્રો કે વૉટર વૅરિફાઇ્ડ પૅપર ઑડિટ ટ્રૅલ મશીનો વાપરવાની દાદ ચાહતી કરેલી અરજીની સુનાવણી કરી રહી છે.