ટેસ્લાના ચીફ એક્ઝિક્યૂટિવ અને સ્પેસ એક્સ ફાઉન્ડર એલન મસ્કે મગજનો અભ્યાસ કરતી ચિપ રજૂ કરી છે. તે સિક્કાના આકારની છે. મસ્કની ટીમે આ ચિપને ગેરટૂડ નામના ડુક્કરના માથામાં ફિટ કરીને મગજની એક્ટવિટી કોમ્પ્યુટર સ્ક્રિન પર જોવામાં સફળતા મેળવી છે. આ ચિપ મગજને કોમ્પ્યુટર સાથે જોડવાનું કામ કરશે. મસ્કે લાઇવ સ્ટ્રીમ કરીને તે દેખાડ્યં હતું. જેવું ડુક્કરે માથું હલાવીને ચાવવાનું શરૂ કર્યું, તેના મગજની એક્ટિવિટી કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાવા લાગી. મસ્કનું સ્ટાર્ટઅપ ન્યૂરોલિંક એક વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હતું. વર્ષ પહેલા ન્યૂરોલિંક કંપનીએ એક ઉંદર પર આ ચિપનું ટેસ્ટિંગ કર્યું હતું. તે સમયે માત્ર ઉંદરના માથામાં USB સાથે જોડાયેલી આ ચિપનો ફોટો સામે આવ્યો હતો. વાંદરાઓ પર પણ તેનો પ્રયોગ કરવામા આવ્યો છે. હવે મનુષ્યો પર ટેસ્ટિંગનો પ્લાન છે.
યાદશક્તિ વધારવા માટે ઉપયોગ થઇ શકશે
એલનનું કહેવું છે કે આ ડિવાઇસનો ઉપયોગ યાદશક્તિ વધારવા, બ્રેન સ્ટ્રોક અથવા અન્ય ન્યૂરોલોજિકલ બીમારીઓના ઇલાજમાં કરી શકાશે. તે સિવાય લકવાગ્રસ્ત દર્દીઓ માટે પણ તે ફાયદાકારક રહેશે. અમે દર્દીઓના મગજને વાંચીને ડેટા એકત્ર કરી શકીશું. તે કરોડરજ્જુમાં ઇજા થવાના લીધે શરીરના અંગ ન હલાવી શકે તેવા દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થશે.