મધ રાતે પરિસ્થિતિ શાંત પડી અફવાઓ નહિ ફેલાવા અનુરોધ
વડોદરા: ગણપતિ મહોત્સવ નજીકમાં છે ત્યારે જ શહેરમાં ફરી એક વખત કોમી છમકલુ થયું છે. શહેરના પ્રતાપ મડઘાની પોળના ગણપતિની મૂર્તિને પંડાલ સુધી લઇ જવાતી હતી ત્યારે જ માંડવી ગેટ પાસે ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થતાં કોમી તોફાન થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગણપતિ મહોત્સવ માટે શહેરના પ્રતાપ મડઘાની પોળના યુવકો ગણપતિની મૂર્તિને આજવા રોડથી પાણીગેટ થઇ માંડવી દરવાજા સુધી લઇ આવ્યા તે દરમિયાન મૂર્તિ પર અચાનક પથ્થરમારો શરુ થયો હતો. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ગણપતિની મૂર્તિ પાણીગેટ થઇને લવાતી હતી ત્યારે મુસ્લિમોના ધાર્મિક સ્થળ પર અજાણ્યા શખ્સોએ પાણીની બોટલો ફેંકી હતી જ્યાર બાદ ગણપતિની મૂર્તિની સવારી માંડવી ગેટ સુધી પહોંચી ત્યાં જ અજાણ્યા શખ્સો દ્વારા ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો શરુ થઇ જતાં ઘટનાએ કોમી છમકલાનું રૂપ લીધું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તોફાની ટોળાને કાબુમાં લેવા માટે 15થી વધુ ટિયરગેસના સેલ છોડ્યા હતાં. એવી પણ ચર્ચા છે કે પોલીસે તોફાનીઓએ ભગાડવા માટે હવામાં ગોળીબાર પણ કર્યો છે. એવી પણ ચર્ચા છે કે ડીજેમાં એક ગીત વાગવા દરમિયાન પણ આ બબાલ શરુ થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. શહેરની પોળો અને સોસાયટીઓમાં ગણપતિ સ્થાપન કરાય છે. વડોદરામાં પરંપરા રહી છે કે ગણપતિની ગમે તેટલી વિશાળ મૂર્તિ હોય તેને ગણપતિ મહોત્સવના આયોજકો અને મંડળના યુવકો મૂર્તિને સ્ટેન્ડ પર ગોઠવી મૂર્તિ જે કલાકાર પાસે બનાવડાવી હોય ત્યાથી હાથથી ખેંચી પંડાલ સુધી લવાય છે અને આ અંતર 5 થી 15 કિલોમીટર સુધીની પણ હોય છે. આ દરમિયાન ગણપતિની મૂર્તિ ખંડિત ન થાય તેનું પણ ખાસ ધ્યાન રખાય છે. ગણપતિની આ સવારીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને ડીજે પણ સાથે રખાય છે.