સરકારે જણાવ્યું હતું કે ભારતીય સ્ટૅટ બૅન્ક (એસબીઆઇ)ની સાથે પાંચ સહયોગી બૅન્કના વિલીનીકરણને મંજૂરી આપવાથી કૅપિટલ બૅસ અને કરજ આપવાની ક્ષમતા વધશે. લોકસભામાં સંબંધિત ખરડાને પસાર કરાયો હતો અને તેને લીધે એસબીઆઇ (સબ્સિડિઅરી બૅન્કસ) ઍક્ટ ૧૯૫૯, સ્ટૅટ બૅન્ક ઑફ હૈદરાબાદ ઍક્ટ ૧૯૫૬ રદ થશે અને સ્ટૅટ બૅન્ક ઑફ ઇન્ડિયા ઍક્ટ, ૧૯૫૫માં સુધારો કરાશે.
નાણાં ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે આ વિલીનીકરણને લીધે એસબીઆઇ વિશ્વની ટોચની પચાસ બૅન્કમાં ૪૫મા ક્રમે પહોંચી છે. તેમણે જણાવ્યું હતું કે આ વિલીનીકરણને લીધે કૅપિટલ બૅસ વધશે અને કરજ આપવાની ક્ષમતામાં પણ વધારો થશે. આ ઉપરાંત, નાની બૅન્કો મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી પ્રૉડક્ટ્સમાં વધુ સારી રીતે કામ કરી શકશે.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષ દરમિયાન બૅન્કના ૨૯ કરોડ ખાતાં ખોલાયા હતા અને તેમાંના પચીસ ટકા ઝીરૉ બૅલૅન્સવાળા ખાતાં છે. ભારતીય મહિલા બૅન્ક અને પાંચ સહયોગી બૅન્ક પહેલી એપ્રિલથી ભારતીય સ્ટૅટ બૅન્કનો ભાગ બની ગઇ છે.