બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં જીપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહેલા સુરેન્દ્રનગરના યુવકનું મોત, પુસ્તકો લેવા માટે અમદાવાદ આવ્યો હતો.
શહેરમાં એએમટીએસની બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માત માં એક આશાસ્પદ યુવકનું મોત થયું છે. ઇસ્કોન ચાર રસ્તા પર આ અકસ્માત થયો હતો. અહીં એએમટીએસની રૂટ નંબર 501ની બસે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં ચાલકનું મોત થયું છે. મૃતક યુવક સુરેન્દ્રનગર નો હોવાનું માલુમ પડ્યું છે. યુવકનું નામ બસીદખાન છે.
એવી પણ માહિતી મળી છે કે યુવક જીપીએસસીની તૈયારી કરી રહ્યો હતો. આ માટે તે સુરેન્દ્રનગરથી પુસ્તકો ખરીદવા માટે અમદાવાદમાં આવ્યો હતો. અહીં ઇસ્કોન ચાર રસ્તા પર એએમટીએસના ડ્રાઇવરે તેની બાઇકને અડફેટે લીધું હતું. જેમાં યુવાનનું મોત થયું છે. અકસ્માત બાદ એએમટીએસની બસના ડ્રાઇવરની અટકાયત કરી લેવીમાં આવી છે.
શહેરમાં ફરી એક વખત એ.એમ.ટી.એસ બેફામ બનતા એક નિર્દોષ યુવાને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. મૂળ ધાંગધ્રાના રામપુરી રોડ પર રહેતા બસિદખાન પઠાણ સરકારી નોકરી માટે જીપીએસસીની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો આપો. આજે સવારે તેના મિત્ર સાથે તે અમદાવાદના ગાંધી રોડ પર પુસ્તકો ખરીદવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન ઈસ્કોન બ્રિજ પાસે ઇસ્કોન મંદિરની સામે એએમટીએસ બસના ચાલકે તેને ટક્કર મારી હતી. જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ તેનું મોત નિપજ્યું છે.
એએમટીએસ બસના આગળના વ્હીલ નીચે તે કચડાઈ ગયો હતો. ચાલકના હેલ્મેટની હાલત જોઈએ તો હેલ્મેટ પણ સંપૂર્ણપણે તૂટી ગયું હતું. હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે સમગ્ર ઘટનાની જાણે પોલીસને થતા એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. જે બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
પોલીસનું કહેવું છે કે બસના ડ્રાઇવરની હાલમાં અટકાયત કરી દેવામાં આવી છે. અકસ્માતમાં કોની બેદરકારી છે તે અંગે તટસ્થ તપાસ કરશે કે ફક્ત ને ફક્ત કાગળ જ બનાવશે.આ માટે પોલીસ દ્વારા પ્રત્યક્ષદર્શીઓના નિવેદન ઉપરાંત આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ મેળવવા ની કામગીરી ચાલુ કરી છે .