રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં B.Sc (એગ્રીકલ્ચર)ના અભ્યાસક્રમ માટે ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી ન આપવા બાબતે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને 2 સપ્ટેમ્બર 2020એ પત્ર લખ્યો છે. હાર્દિક પટેલે લખ્યું છે કે, ખાનગી યુનિવર્સિટીઓને કૃષિ વિષયક અભ્યાસક્રમ ચલાવવા બાબતે મંજૂરી આપવામાં આવે છે તે બંધ કરવામાં આવે. તો બંધ નહીં થાય તો સરકાર હસ્તકની જે પણ કૃષિ યુનિવર્સિટીઓ છે તેનું કોઈ વજુદ રહેશે નહીં. શિક્ષણની ગુણવત્તા પણ સચવાશે નહીં. તો બીજી તરફ કૃષિ સ્નાતકોમાં પણ બેરોજગારીનું પ્રમાણ અતિશય વધશે.
હાર્દિક પટેલે લખ્યું કે, B.Sc(એગ્રીકલ્ચર)નો અભ્યાસક્રમ રાજ્ય સરકાર હસ્તકની 4 કૃષિ યુનિવર્સિટીઓમાં જ ચાલે છે, જેનાથી વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણ મળી રહે છે. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સંસ્કાર વિભાગ દ્વારા ખાનગી યુનિવર્સિટીઓને કૃષિ વિષયક અભ્યાસક્રમ ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવેલી છે, જે યોગ્ય નથી.
આ બાબતે રાજ્યના શિક્ષણ વિભાગના નાયબ સચિવ દ્વારા 6-9-2018ના રોજ પત્ર પણ લખવામાં આવ્યો છે. આ બાબતે નામદાર સુપ્રિમ કોર્ટની સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નંબર 15065/2018 સહિત વિવિધ પીટીશનોમાં પણ સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને કૃષિ યુનિવર્સિટીની મંજૂરી વિના ચાલી શકે નહીં. ICARના ધારા ધોરણોનું પાલન કર્યા સિવાય કોઈ પણ ખાનગી યુનિવર્સિટીને કૃષિ વિષયક અભ્યાસક્રમ ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં.
જો ખાનગી યુનિવર્સિટીને કૃષિ વિષયક અભ્યાસક્રમ ચલાવવા આડેધડ મંજૂરી આપવામાં આવે છે. શિક્ષણની ગુણવત્તા સચવાશે નહીં. સાથે-સાથે એન્જિનિયરીંગ કોલેજોની જેમ કૃષિ સ્નાતકોમાં પણ બેકારીનું પ્રમાણ અતિશય વધી જશે. જે કૃષિક્ષેત્રને ખૂબ જ મોટું નુકસાનકર્તા સાબિત થશે. આ બાબતને ગંભીરતાથી લઇ યોગ્ય નિર્ણય કરવા વિનંતી છે.