માલવણ ગામની ૩૫ વર્ષીય પરીણિત મહિલાએ કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.જોકે આ બાબતે ડુંગરી પોલીસે વધુ તપાસ હાથ ધરી ઘટનાના અંતિમ ચરણ સુધી પહોચવા ચક્રો ગતિમાન કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર , વલસાડ તાલુકાનાં માલવણ ગામે ખારવા ફળિયામાં રહેતી ભાવિનીબેન હિતેશભાઇ પટેલ (ઉ.વ. ૩૫) ના લગ્ન ૧૨ વર્ષ પહેલા માલવણ સુંદર ફળિયામાં રહેતા હિતેશભાઇ સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન ભાવિનીબેનને ૬ વર્ષનો પ્રિન્સ અને ૩ વર્ષની રિષ્ટિ નામની દીકરી છે. ગત તા.૮/૮/૨૦૧૭ ને મંગળવારે રક્ષાબંધનના દિવસે ભાવિનીબેન પોતાના પિયર ભાઈને રાખડી બાંધી આશરે બપોરે ૧-૩૦ કલાકે પોતાના પતિ હિતેશભાઇ જોડે માલવણ સુંદર ફળીયે સાસરે આવવા બાઇક પર નીકળ્યા હતા. ત્યારબાદ લગભગ ૩-૪૫ કલાકે ભાવિનીબેન કોઈ અગમ્યકારણસર ઘરમાથી નીકળી જતાં હિતેશભાઇએ પોતાના સાસરે આ અંગે જાણ કરી શોધખોળ શરૂ કરી હતી પરંતુ ભાવિનીબેનનો કોઈ પત્તો મળ્યો ન હતો. જોકે તા.૯/૦૮/૨૦૧૭ ને બુધવારના રોજ સવારે લગભગ ૭-૪૫ કલાકે ભાવિનીબેન ની લાશ કુવામાં પડેલી જણાતા આ બનાવ અંગે ડુંગરી પોલીસને જાણ કરી હતી. ડુંગરી પોલીસે આ બનાવ એક અકસ્માત છે કે ઈરાદાપૂર્વક કરેલું મર્ડર આ અંગે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની તપાસ પી.એસ.આઈ એમ.એન.શેખ કરી રહ્યા છે.
કૂવાની બહાર ભાવિનિબેનની સાડી પડેલી હોવાથી ઘટના શંકાના દાયરામાં
ભાવિનીબેનનો મૃતદેહ કુવામાં પડ્યો હતો અને એમની સાડી કૂવાની બહાર જોવા મળતા અનેક તર્ક-વિતર્ક ઉઠી રહ્યા છે કે જો આત્મહત્યા જ કરવી હતી તો સાડી કૂવાની બહાર કાઢવાની શું જરૂર હતી? તેમજ આત્મહત્યા કયા કારણોસર કર્યું હશે? આવા અનેક પ્રશ્નો લોકોમાં વહેતા થયા હોય પોલીસે આ અંગે પણ તપાસ હાથ ધરી છે.