વલસાડઃ તાઃ૧: મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવણીના ભાગરૂપે શ્રમ અને રોજગાર વિભાગ તેમજ વલસાડ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શ્રમજીવી મહિલા દિવસની ઉજવણી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, બેચર રોડ-વલસાડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અવસરે નગરપાલિકા પ્રમુખશ્રીમતિ સોનલબેન સોલંકીએ મહિલાઓનું સમાજમાં પ્રદાન, મહિલાઓની શકિતનો સમાજમાં સાચી દિશામાં ઉપયોગ કરી સમાજના ધડતરમાં મહત્વનો ફાળો રહેલો છે. ત્યારે મહિલાઓ વધુ આર્થિક રીતે સશકત બને અને સમાજમાં માનભેર પોતાનું આગવું સ્થાન જાળવી રાખે તેવી શુભેચ્છા પાઠવી હતી.
શ્રમજીવી મહિલાનો સમાજ ઉત્કર્ષમાં મહત્વનો ફાળો રહેલો છે. શ્રમજીવી મહિલાઓ રાજય સરકારની વિવિધ યોજનાનો લાભ લઇ પોતાના કુંટુંબનો વિકાસ સાધવા જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રમયોગી કલ્યાણ બોર્ડના પ્રોજેકટ મેનેજરશ્રી ટી.વી. ઠાકોરે શ્રમ કલ્યાણ બોર્ડની શૈક્ષણિક, આરોગ્ય, વીમા, આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓનો સવિસ્તાર માહિતી આપી
શ્રમિકોને આ યોજનાઓનો વધુ ને વધુ લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે ઔધોગિક સલામતી અને સ્વાસ્થયના નાયબ નિયામકશ્રી ડી.કે.વસાવા, સરકારી શ્રમ અધિકારીશ્રી એસ.જી.નાયક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી રોહન શાહ, બેંક ઓફ બરોડાના લીડ બેંક મેનેજર શ્રી સચીન શર્માએ પ્રસંગોચિત પ્રવચન કર્યુ હતું.
આ અવસરે મહાનુભાવોના હસ્તે ગુજરાત મકાન અને બાંધકામ કામદાર વિભાગ દ્વારા શ્રમિક મહિલા લાભાર્થીઓના ઓળખપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડૉ. પુષ્પાબેન ઓઝા, ડૉ. દિપાલી પટેલ, શ્રમિક મહિલાઓ અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.