અત્યારે સમગ્ર દેશ દુનિયામાં કોરોના કેર જોવા મળી રહ્યો છે. જોકે કેળાની ખેતી કરતા ખેડૂતોને કોરોના કરતા પણ વધારે અન્ય એક રોગનો ડર લાગે છે. કારણ કે આ રોગ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવવાની સાથે તેમને આર્થિક રીતે બરબાદ પણ કરી રહ્યો છે. કેળના છોડને આ રોગ ભરડામાં લેતાની સાથે ઉભા છોડ સુકાઈ જાય છે. શિકાટોકા આ નામનો રોગ આજકાલ બોડેલી તાલુકાના ખેડૂતોને કોરોના કરતા પણ વધારે ડરાવે છે.કારણ કે આ શિકાટોકા રોગ ખેડૂતના ખેતરમાં કેળના ઉભા છોડ સુકવી નાંખે છે.
સરકાર ખેડૂતોને બાગાયતી ખેતી તરફ વાળવા પ્રોત્સાહન આપે છે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સબસીડી પણ આપે છે. સરકારના પ્રયાસોથી કેળાની ખેતી તરફ વળેલા બોડેલી તાલુકાના ખેડૂતોને શિકાટોકાના કારણે રોવાનો વારો આવ્યો છે. ચલામાલી- ટિંબરવા. નવી રૂઢિ – મોરા ડુંગરી વિસ્તાર ના ખેડૂતોને શિકાટોકા નામનો વાયરસ ખેતી માં નુકશાન કરી રહ્યો છે . 10 થી 12 કિમીના વિસ્તારમાં કેળના ઊભા ખેતરો સુકાઈ ગયા છે . છોડ ઉપર કેળા લાગી તો ગયા છે પણ વાયરસ લાગી જતાં હવે બજારમાં વેચવા લાયક નથી રહ્યા. કેળાની ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે હવે તેમની ઉપજના વળતરમાં એકપણ રૂપિયો મળવાનો નથી.ત્યારે સરકાર સબસિડી તો આપે છે પણ નુકશાનીનું વળતર પણ આપવામાં આવે તો ખેડૂતોને રાહત મળે.
કેળાના પાકને નુકસાન
- બોડેલીના ચલામાલી, ટિંબરવાના ખેડૂતો બન્યા ચિંતિત
- નવી રૂઢી-મોરા ડુંગરીમાં શિકાટોકાથી ખેતીમાં નુકશાન
- ૧૦થી ૧૨ કિમી વિસ્તારમાં કેળાનો ખેતરો સુકાયા
- છોડ ઉપર કેળા લાગ્યા હોય તે વેચવા લાયક નથી રહ્યાં
પાકને કોઈ પ્રકારે નુકસાન ન થાય તે માટે તમામ સાવચેતી રાખવા છતાં પણ શિકાટોકા વાયરસે ખેડૂતોના છોડ સૂકવી દીધા છે. ખેડૂતો ચિંતિત છે પરંતુ બાગાયત વિભાગના કોઈ પણ અધિકારી હજુ સુધી ખેતરની મુલાકાતે પણ આવ્યા ન હોવાનો ખેડૂતો કહેતા જોવા મળ્યા. મોંઘાદાટ કેળના ટીસ્યું ખેડૂતો લાવ્યા બાદ ખેડૂતો ભારે જતન સાથે કેળના છોડને ઉછેર્યા.. પણ શિકાટોકા વાયરસે પાક સૂકવી નાંખ્યો. ગરીબ ખેડૂતોએ આખું વર્ષ કુદરતનો માર ખાધો હવે ફરી એકવાર વાયરસથી ખેતીમાં નુકશાની આવતા ભારે ચિંતામાં પડી ગયા છે.ખેડૂતોને તેમણે અગાઉ કરેલ દેવું કેમ કરીને ચૂકવશે તેની મુંઝવણ છે. અન્ય ખેતીમાં સરકાર નુકશાનીનું વળતળ આપે છે તે રીતે બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને પણ વળતર આપે તેવી ખેડૂતો ની માંગ છે.