અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલાં પાંચ યુવકો વિશે મોટી જાણકારી સામે આવી છે. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે, ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ પુષ્ટિ કરી છે કે અરૂણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા પાંચ યુવકો તેમની તરફથી મળી આવ્યા છે. તેમણે કહ્યું કે યુવાનોને આપણી ઓથોરિટીને સોંપવાનું કામ ચાલી રહ્યું છે.
હોટલાઇન સંદેશ પર પ્રતિક્રિયા
કિરેન રિજિજુએ કહ્યું,”ચીનના પીએલએ ભારતીય સેનાના હોટલાઇન સંદેશ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે પુષ્ટિ આપી કે અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલ યુવક તેની તરફથી મળ્યો છે. તેમને કેવી રીતે આપણી સત્તાને સોંપી શકાય તેના પર કામ ચાલી રહ્યું છે.”
સેના દ્વારા અપહરણ કરાયુ
જણાવી દઇએ કે ચીન પર તે આક્ષેપ હતો કે, આ યુવકોનું તેમની સેના દ્વારા અપહરણ કરાયુ છે. અરૂણાચલ પ્રદેશના નાચો વિસ્તારના પાંચ ગ્રામીણ યુવકો જંગલમાં શિકાર કરવા ગયા હતા, તેમનું કથિત રીતે પીએલએ દ્વારા અપહરણ કરાયું હતું. આ દરમિયાન, ચીને પાંચ યુવાનોના ઠેકાણાને લઈને હાથ ધોઈ નાંખ્યા હતા અને કહ્યું હતું કે તેણે આ પૂર્વોત્તર રાજ્યને ક્યારેય માન્યતા આપી નથી. ચીન તેને દક્ષિણ તિબેટનો ભાગ માને છે.
જૂથના બે સભ્યો ઘરે પરત ફર્યા
આ યુવકો લશ્કર માટે કૂલી અને ગાઈડ તરીકે કામ કરતા હતા. શુક્રવારે, તેમના પરિવારોએ સોશ્યલ મીડિયા પર તેમના ગાયબ થવા વિશે માહિતી આપી હતી. જૂથના બે સભ્યો ઘરે પરત ફર્યા અને બાકીના પાંચ યુવાનોના પરિવારજનોને કહ્યું કે ચીની સૈનિકો તેમને સેરા -7 થી લઈ ગયા છે. સેરા -7 એ નાચોથી 12 કિમી ઉત્તરમાં સ્થિત આર્મી પેટ્રોલિંગ ક્ષેત્ર છે.
ચીનનું વલણ સમાન અને સ્પષ્ટ
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને બેઇજિંગમાં મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ચીન-ભારત સરહદ અથવા ઝાંગનાન (ચીનના ઝિંજિઆંગ (તિબેટ) નો દક્ષિણ ભાગ) પરના પૂર્વ ક્ષેત્ર અંગે ચીનનું વલણ સમાન અને સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે ચીની સરકારે કહેવાતા અરુણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા આપી નથી.