ફેસબુક-ગૂગલ જેવા સોશ્યલ મીડિયા જાયન્ટ્સ માટે ભારત એક મોટું બજાર છે. નાણાકીય વર્ષ 2019માં ગૂગલ અને ફેસબુક દ્વારા ભારતમાંથી ઓનલાઇન એડ અને આવક રૂપે 11,500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતમાં ડિજિટલ મીડિયાના ઉદભવ સાથે, ડિજિટલ મીડિયાને મોટી સંખ્યામાં જાહેરાતો મળવાનું શરૂ થઈ ગયું છે.
એક સંશોધન મુજબ, ભારતમાં 20 ટકા જાહેરાતો ડિજિટલ મીડિયા પર આપવામાં આવી રહી છે. જે થોડા જ વર્ષમાં 50 ટકા થઈ જશે. ફેસબુક અને ગૂગલ ઓનલાઇન એડ માર્કેટનો 68 ટકા હિસ્સો ધરાવે છે. માત્ર ફેસબુક અને ગુગલ જ નહીં, ઘણી અન્ય સોશ્યલ મીડિયા કંપનીઓ પણ ભારતમાંથી મોટી કમાણી કરી રહી છે. વર્ષ 2019 માં જ ભારતીય કંપનીઓએ સોશિયલ મીડિયા પર જાહેરાત આપવા માટે 3835 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તેમાંથી 25 ટકા પેઇડ સર્ચ પર ખર્ચવામાં આવ્યો હતો.
હકીકતમાં, આપણા દેશની તાકાત એ છે કે 68 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકારો છે અને ભારતમાં ડિજિટલ જાહેરાત આપણા દેશમાં સૌથી ઝડપથી વધી રહી છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા કંપનીઓ અને ગૂગલ જેવી મોટી કંપનીઓ ભારતને ખૂબ મહત્વ આપી રહી છે.