વધુ ૧૧નાં મોત સાથે આંકડો ૨૦૧ ઉપર પહોંચ્યો, એક જ દિવસમાં ૧૪૫ નવા કેસ નોંધાયા |
અમદાવાદ: ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ ભરડો લીધો છે. રાજ્યના ૧૨થી વધુ જિલ્લાઓમાં ૧૬ હજારથી વધુ લોકો સ્વાઈન ફ્લૂનો શિકાર બન્યા છે. જેમાં ૬૨૭ લોકો સાજા થયાં છે જ્યારે ૭૯૨ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.
હેલ્થ વિભાગ સતર્ક બની ગયું હોવા છતાં સ્વાઈન ફ્લૂના દર્દીઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં સ્વાઈન ફ્લૂના કારણે ૪ લોકોના મૃત્યુ થયાં છે. એકલા અમદાવાદમાં જ અત્યાર સુધીમાં ૪૪ લોકોનાં મોત થઇ ચૂક્યાં છે.
દરમિયાન સમગ્ર રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે એક દિવસમાં કુલ ૧૧ જેટલા લોકોના મૃત્યુ થયાં છે. જેમાં અમદાવાદમાં-બે, રાજકોટ ત્રણ અને જૂનાગઢમાં ૨, ગાંધીનગરમાં-૧, સુરેન્દ્રનગરમાં ૧, વડોદરામાં-૧, કચ્છ સહિત કુલ ૧૧ દર્દીના મોત થઇ ચૂક્યા છે. જ્યારે સોમવારે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના નવા ૧૪૫ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધારે અમદાવાદમાં ૫૧, વડોદરામાં ૩૨, સુરત અને ગાંધીનગરમાં નવ-નવ અને પંચમહાલમાં પાંચ એમ રાજ્યભરમાં કુલ ૧૪૫ નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૭૫૪ પર પહોંચી છે. જ્યારે ૯૧૩ લોકોને સારવાર આપવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂથી વધુ ચાર લોકોનાં મોત થયા હતા. જેમાં બાર વર્ષના કિશોરનો પણ સમાવેશ થાય છે. વર્ષ ૨૦૦૯ થી સ્વાઈન ફ્લૂએ ગુજરાતમાં દેખા દીધી હતી. ત્યારથી ૨૦૧૭ સુધીના આઠ વર્ષની હિસ્ટ્રીમાં સૌ પ્રથમ વખત આ વર્ષે ઓગસ્ટ મહિનાના બાર જ દિવસમાં સ્વાઈન ફ્લૂના ૩૧૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. અને ૨૩ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા છ મહિનામાં અમદાવાદમાં કુલ ૪૫૧ કેસ નોંધાયા છે. જ્યારે ૪૩ લોકોનાં મૃત્યુ થયા છે. એક જ દિવસમાં સ્વાઈન ફ્લૂના નવા ૫૪ કેસ નોંધાયા હતા. મધ્ય ઝોનમાં આવેલા ખાડિયા વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષીય વ્યક્તિને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ થતા વી.એસ.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તે જ રીતે, નરોડા ખાતે રહેતા ૫૦ વર્ષીય મહિલાને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. વેજલપુરના ૪૫ વર્ષીય વ્યક્તિને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે સરખેજના ૧૨ વર્ષીય કિશોરનું વી.એસ.માં મૃત્યુ થયું હતું.
હેલ્થ વિભાગના એક અધિકારીનું કહેવું છે કે, શરૂઆતમાં કચ્છમાં સ્વાઈન ફ્લૂ ફેલાયો હતો અને અહીં એપેડેમિક જાહેર કરાયો હતો. માઈગ્રેટ થતા લોકો સાથે આ વાઈરસ સરળતાથી ફેલાય છે જેના પરિણામે અમદાવાદમાં વાઈરસ વધુ ફેલાયો છે. અમદાવાદમાં સૌથી વધુ સ્વાઈન ફ્લૂના કેસ ઉત્તર અને પૂર્વ ઝોનમાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નવા પશ્ર્ચિમ ઝોનના સરખેજ અને વેજલપુરમાં પણ આ કેસ વધુ હોવાનું જાણવા મળ્યું છે.