કોરોના વાઇરસ મહામારીને કારણે કોઇને કોઇ રીતે આપણા જીવનને અસર કરી છે. અનેક વ્યક્તિઓ માનસિક તાણ અનુભવે છે. જ્યારે આ માનસિક તાણ મહિલાઓના શરીરને અસર કરે છે ત્યારે શું થાય છે? આ તણાવ ક્યારે આપણા શરીરની કુદરતી પ્રવૃત્તિઓમાં અડચણરૂપ બને છે તે વિશે જાણવું જરૂરી હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના મહિલા અધ્યાપક ડો.ધારાબેન દોશી અને ડો.નિમિષા પડારિયાએ આ બાબતે એક સરવે કર્યો હતો જેમાં કોરોના મહામારીને કારણે મહિલાઓની પિરિયડ્સને લગતી સમસ્યામાં 20 થી 25 ટકાનો વધારો થયાનું બહાર આવ્યું છે. ડો.દોશી અને ડો.પડારિયાએ જણાવ્યું હતું કે, મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રમાં જ્યારે મહિલાઓના ફોન આવે છે ત્યારે ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરતી હોય છે કે, પિરિયડ્સનો સમય પહેલા સમયસર હતો જે હાલમાં રહ્યો નથી. કેટલીક મહિલાઓએ કહ્યું કે, પિરિયડ્સ અચાનક બંધ થઇ જવા જેવી સમસ્યાઓ થઇ છે. તો કેટલીક સ્ત્રીઓને પોલિસિસ્ટિક અંડાશયના સિન્ડ્રોમ(પીસીઓએસ) જેવા પ્રજનન રોગોના લક્ષણો જણાયા હતા. મનોવિજ્ઞાન ભવન પર આવેલા ફોનનો સરવે કર્યો જેમાં 65 ટકા મહિલાઓએ કહ્યું કે, પિરિયડ્સનો સમય અનિયમિત થયો છે અને પિરિયડ્સ દરમિયાન શારીરિક સમસ્યા વધી છે. આ મહામારી દરમિયાન સ્ત્રીમાં તણાવ વધ્યો છે તેના પરિણામે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું પરિભ્રમણ વધ્યું, તેનાથી હોર્મોનલ બેલેન્સ ન જળવાયું અને ઘણી શારીરિક સમસ્યાઓ થઇ છે.