નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના ક્રિકેટર આમિર હયાત અને અશફાક અહેમદ સામે ભ્રષ્ટાચાર વિરોધી કોડના ભંગ બદલ આરોપો ઘડ્યા છે. આ બંનેને તાત્કાલિક અસરથી અસ્થાયી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં આઇસીસી મેન્સ ટી -20 વર્લ્ડ કપ ક્વોલિફાયર દરમિયાન અમીરાત ક્રિકેટ બોર્ડે (ઇસીબી) અશ્ફાકને સસ્પેન્ડ કરી દીધો હતો, પરંતુ ઔપચારિક ચાર્જ હજી નક્કી કરવામાં આવ્યા ન હતા. બંનેએ લાંચ લેતા અને મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કર્યો હતો.
38 વર્ષીય હયાત એક મધ્યમ ગતિનો બોલર છે, જેણે નવ વનડે અને ચાર ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જ્યારે 35 વર્ષિય અશફાકે 16 વનડે અને 12 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.
આઇસીસીએ તેના પ્રકાશનમાં કહ્યું હતું કે, “આક્ષેપોનો જવાબ આપવા માટે ખેલાડીઓની પાસે 13 સપ્ટેમ્બરથી 14 દિવસનો સમય રહેશે. આઇસીસી આ આરોપો અંગે હવે કોઈ ટિપ્પણી કરશે નહીં.
આમિર અને અશફાક પર આઈસીસી એન્ટી કરપ્શન કોડની કલમ 2.1.3 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. આ સિવાય તેમના ઉપર આર્ટિકલ 2.4.2 થી આર્ટિકલ 2.4.5 સુધીના અન્ય ચાર આરોપો મૂકવામાં આવ્યા છે.