જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત નઝીર વોરાને ત્યાં પોલીસના દોરડા બાદ ટોરેન્ટ પાવરની વીજચોરી મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં નઝીર વોરા સામે વીજચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં નઝીર વોરાએ કરેલી રેગ્યુલર આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી છે. કોર્ટે અવલોકન કર્યું છે કે ગુનાહિત પ્રવુતિ સાથે જોડાયેલ આરોપીઓને જામીન આપવા યોગ્ય નથી. જેથી આ અરજી ફગાવી દેવાઈ છે. નઝીર વોરાએ ધરપકડથી બચવા માટે રેગ્યુલર આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટમાં કરી હતી. જેની આજે સુનાવણી યોજાઈ હતી અને કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળી નઝીર વોરાની જામીન અરજી ફગાવી દીધી હતી. પોલીસ હવે નઝીર વોરાની ટૂંક સમયમાં ધરપકડ કરી શકે છે. 20 ઓગસ્ટના રોજ ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં વેજલપુર પોલીસ અને સરખેજ પોલીસની ટીમોએ ટોરેન્ટ પાવરના અધિકારીઓ સાથે નઝીર વોરાના ઘરે અને ફાર્મ પર દરોડા પાડ્યા હતા. જેમાં વીજ મીટર ચેક કરતા વીજ ચોરી પકડાઈ હતી.ટોરેન્ટ પાવર કંપનીનો 20MMનો 20 મીટર લાંબા વાયરનો છેડો કંપનીના પિલર સાથે જોડી ગેરકાયદે કનેક્શન લીધું હતું. જે મામલે UGVCL પોલીસ સ્ટેશન અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.