દેશમાં (Coronavirus)ના કેસ 50 લાખની નજીક પહોંચી ગયા છે. દરરોજ 85 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 80 હજારને પાર પહોંચી ગઇ છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. ઘણા સવાલ હોમ આઇસોલેશન (Home Isolation) સાથે સંબંધિત છે અને કેટલાંક ઓક્સીમીટર (Pulse Oximeter)ને લઇને પણ છે. ચાલો અમે તમને જણાવીએ આવા જ કેટલાક સવાલોના જવાબ…
કોરોના પોઝિટિવ થવા પર ક્યાં આઇસોલેટ થવુ યોગ્ય છે?ઘર કે હોસ્પિટલ?
જો દર્દીમાં કોરોનાના ઓછા અને હળવા લક્ષણો હોય તો તે હોમ આઇસોલેશનમાં રહી શકે છે, પરંતુ જો લક્ષણ ગંભીર હોય તો હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે. ઘરમાં જો આઇસોલેટ થવુ હોય તો જરૂરી છે કે એક અલગ રૂમ અને બાથરૂમ હોય. ઘરમાં કોઇ સારસંભાળ માટે પણ હોવુ જોઇએ. ઘરમાં તમામ જરૂરી સુવિધાઓ હોય તો જ સેલ્ફ આઇસોલેટ રહો.
જો કોઇ વ્યક્તિ આઇસોલેશનમાં હોય તો કયા નિયમોનું પાલન કરવુ પડે છે?
દર્દી માટે ટ્રિપલ લેયર વાળુ માસ્ક પહેરવુ જરૂર છે, જેને દર આઠ કલાક બાદ બદલવાનું છે. જો માસ્ક ભીનુ અથવા ગંદુ થઇ જાય તો તેને તરત જ બદલી નાંખો. ઉપયોગ કર્યા બાદ માસ્કને ફેંકતા પહેલા તેને એક ટકા સોડિયમ હાઇપોક્લોરાઇટથી સંક્રમણરહિત કરવાનું રહેશે. દર્દીએ પોતાના રૂમમાં જ રહેવાનું છે. દર્દીએ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે.
નોર્મલ કફ અને શરદીમાં પણ ચિંતા થાય છે કે ક્યાંક કોરોના તો નથી? આવામાં શું કરવુ જોઇએ?
આજકાલ અનેક વાયરલના કેસ ઓછા થઇ ગયા છે, આ ઉપરાંત કેટલીક બિમારી એવી છે જે ફક્ત માસ્ક લગાવવાથી દૂર નથી થતી. તેના લક્ષણ કોરોના જેવા જ હોય છે, જેમ કે ડેન્ગ્યુ, મલેરિયા જે મચ્છર કરડવાથી ફેલાય છે. તેનાથી બચવા માટે આસપાસ સ્વચ્છતા રાખો. કોરોનાના લક્ષણો ઓળખી કાઢો, જો તમારામાં આવા લક્ષણો દેખાય અથવા તો કોઇ સંક્રમિતના સંપર્કમાં આવ્યા હોવ તો એકવાર ટેસ્ટ જરૂર કરાવી લો. હવે સરકારે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના પણ ઓન ડિમાન્ડ ટેસ્ટ કરાવાની પરવાનગી આપી દીધી છે.
જો કોઇ કોરોના સંક્રમિત સાથે હાથ મિલાવ્યો હોય તો, શું આખા શરીરમાં કોરોના ફેલાઇ જાય છે?
જો કોઇ સંક્રમિત સાથે હાથ મિલાવે તો આખા શરીરમાં વાયરસ નથી ફેલાતો. વાયરસ તેટલી જ જગ્યામાં રહે છે, જેટલામાં વ્યક્તિનો હાથ સંક્રમિતના સંપર્કમાં આવ્યો હોય છે. તેથી હાથ મિલાવાથી અથવા તો કોઇના પણ સંપર્કમાં આવ્યા બાદ તરત જ સાબુ અથવા સેનિટાઇઝરથી હાથ સાફ કરી લો. આમ તો હાથ મિલાવાની જરૂર નથી, નમસ્તે કરો, આ હાલની પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય છે.
શું છે પલ્સ ઓક્સિમીટર?
હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવતા કોરોના દર્દીને પલ્સ ઓક્સીમીટર આપવામાં આવે છે. સ્વસ્થ થઇ ગયા બાદ રોગીઓએ આ ડિવાઇસ પરત આપવાની હોય છે. આ એક પ્રકારનો ટેસ્ટ હોય છે. આ ડિવાઇસમાં તમારી આંગળી રાખવાની હોય છે જે બાદ રીડિંગ આવે છે. આ ટેસ્ટમાં દર્દીને કોઇપણ પ્રકારની પીડા નથી થતી.
ઓક્સીમીટર કેવી રીતે કામ કરશે?
જે લોકો સ્વસ્થ છે, અને તેમને ફેફસાની બિમારી નથી તો રીડિંગ 95થી 100 ટકા વચ્ચે હોવી જોઇએ. જો આ રેટ નીચે આવવા લાગે અને 92 સુધી આવી જાય તો તેનો અર્થ છે કે બિમારી વધી રહી છે. તેમાં તે પણ જોવામાં આવ્યું છે કે, સંક્રમણ વધે છે તો એકદમ પરેશાની નથી થતી પરંતુ ધીમે ધીમે વધે છે. ઘણીવાર 80 ટકા સુધી રેટ નીચે આવ્યા બાદ મુશ્કેલીનો અહેસાસ થાય છે. તેથી જો ઓક્સીમીટરની રીડિંગ 92ની નીચે આવી જાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક સાધો.
આ કોરોના કેસમાં કેવી રીતે મદદરૂપ થાય છે?
કોરોના દર્દીઓને આ મીટર આપવાની વાત થઇ કારણ કે તેનાથી દર્દી ઘરે જ ચેક કરી શકશે કે તેમના શરીરમાં ઓક્સીજનનું સ્તર શું છે? કોરોના વાયરસના ગંભીર કેસમાં શ્વાસ સંબંધિત સમસ્યા જોવા મળે છે, એક રીતે તેને ટ્રિગર પણ કહેવામાં આવે છે. ઓક્સિજનની કમી ખતરાની ઘંટી સાબિત થઇ શકે છે.