શહેરના મગદલ્લા વિસ્તારમાં ગત 6 સપ્ટેમ્બરના રોજ થાઈ સ્પા ગર્લ વનિડા બુસોર્નની સળગાવી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં મિત્ર એડાએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે એક બાબત સ્પષ્ટ થઈ છે કે, મિત્ર એડાએ વનિડાની હત્યા કર્યા બાદ તેની પ્રાર્થના સભામાં હાજર રહી હતી અને અગરબત્તી પકડી મગરમચ્છના આંસુ સારતી નજરે પડી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, વનિડા અને એડાએ સાથે દારૂ પીધા બાદ હુક્કો પણ પીધો હતો. જેમાં એડાએ ગાંજો ભેળવી દીધો હતો. જેથી વનિડા નશામાં ચૂર થઈ ગઈ હતી. ત્યારબાદ તેની હત્યા કરી સળગાવી દીધી હતી. પોલીસ દ્વારા તમામ એકસપાર્ટની મદદ લેવામાં આવી હતી. દરમિયાન ટેક્નિકલ અને સીસીટીવીની મદદથી કડી મળી હતી. જેમાં નજીકમાં રહેતી એડાની ગતિવિધિ શકમંદ જણાઈ આવી હતી. એડાએ પહેલા પૂછપરછમાં ખોટી સ્ટોરી ઉભી કરી હતી અને આ ઘટનામાં તેની સંડોવણી છે તેવો સાફ તેની ઇન્કાર કરતી હતી. જોકે, 11મી તારીખે એડાએ રિક્ષા ચાલકને આપેલા પ્લાસ્ટિક બેગમાંથી બે મોબાઈલ અને હત્યામાં વપરાયેલા ધાબળો અને તકિયા મળી આવ્યા હતા. ખૂબ મોટા પુરાવા સાથે ગુનો ડિટેકટ થયો છે.
રૂમના દરવાજા બહારથી બંધ કરવામાં આવ્યા છે સૌથી મોટી કડી હતી. દરવાજાને લોક મારવામાં આવ્યું હતું તેની ચાવી આરોપી મહિલાના ઘરે સંતાડવામાં આવી હતી. હાલ મહિલાની કોવિડ ટેસ્ટ કરવામાં આવશે અને અટકાયત કરવામાં આવશે. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાશે. સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે તે રીતે હત્યારી એડાએ રવિવારે મળસ્કે 3.50 પહેલા વનીડાને ઓશિકા, ચાદર, ગાદલા અને નાયલોન કપડાં તેના શરીર પર વ્યવસ્થિત રીતે ગોઠવી લાઇટરથી ગાદલાને આગ ચાંપી હતી. એડા મળસ્કે 3.50 પોતાના ઘરે ગઈ, કલાક પછી પાછી 4.40 કલાકે વનીડાના ઘરે આવી, બાદ વહેલી સવારે 4.50 વાગ્યે બહારથી લોક મારી ચાલી ગઈ હતી. તે ચાવી એડાના ઘરેથી કબજે કરી છે. એડાએ પોલીસને જણાવ્યું હતું કે, મારે આગ થોડી લાગે તેવું કરવું હતું. જેથી પેટ્રોલ નાખ્યું ન હતું. એડાની ટુંક સમયમાં જ ભારતના વિઝા પુરા થતા હતા. જેથી તેને રૂપિયાની જરૂર હતી. તેણે અનેક લોકો પાસેથી રૂપિયા લીધા હતા અને પોતાના ઘરે મોકલ્યા હતા. જોકે, તેની આર્થિક સમસ્યાનો અંત આવ્યો ન હતો. તેને જાણકારી મળી કે, વનિડા એકત્ર કરેલા રૂપિયા પોતાના ઘરે મોકલાની છે. લાખો કમાતી વનિડા એડાને આંખમાં કણાની જેમ ખુંચવા લાગી હતી. જેથી વનિડાની ઘરે ગઈ અને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ સોનાની ચેઈન, રોકડ લઈ નીકળી ગઈ હતી અને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.