સ્કોડાએ તેની નવી Kodiaq એસયુવી જે પ્રથમ 7 સીટર કાર છે તે હવે ભારતમાં રજૂ કરી છે. આ કારને સપ્ટેમ્બર 2016માં બર્લિનમાં રજૂ કરવામાં આવી હતી અને પ્રોડકશન ઓક્ટોબરમાં શરૂ થયું હતું. ત્યારબાદ લગભગ એક વર્ષ પછી તેને ભારતમાં રજૂ કરવામાં આવી છે. આ કાર 2017ના ચોથા કવાર્ટરમાં જ લોન્ચ કરવામાં આવશે. ભારતમાં તેનો મુકાબલો ફોર્ડ એન્ડેવર, ટોયોટા ફોરચ્યુન અને તેના જ ગ્રુપની ફોકસવેગન ટિગુઆન સાથે થશે.
સ્કોડા Kodiaqના બુકિંગ માટે 20 હજારની રકમ રાખવામાં આવી છે જેની ડિલિવરી ઓક્ટોબર કે નવેમ્બરમાં શરૂ થશે. નવી સ્કોડા Kodiaq પેટ્રોલ અને ડિઝલ બંને એન્જિનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. 2 લિટર, 4 સિલિન્ડર ટર્બોચાર્જડ પેટ્રોલ યુનિટ છે જે 177 બીએચપી પાવર અને 320 એનએમ ટાર્ક જનરેટ કરે છે. જયારે 2 લિટર, 4 સિલિન્ડર ટર્બોચાર્જડ ડિઝલ એન્જિન 147 બીએચપી પાવર અને 340 એનએમ ટાર્ક જનરેટ કરે છે.
નવી સ્કોડા Kodiaq એસયુવીને ફોકસવેગન ગ્રુપના મોડ્યુલ ટ્રાન્સવર્સ મેટ્રિકસ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તાજેતરમાં લોન્ચ થયેલી ફોકસવેગન ટિગુઆન એસયુવી પણ આ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. Kodiaq એસયુવીમાં કંપનીની લેટેસ્ટ ક્રિસ્ટલાઈન ડિઝાઈનને જોઈ શકાય છે. આ સિવાય ત્રણ તરફથી રેડિએટર ગ્રીલ અને તેમાં હેડલાઈટસ છે. સિગ્નેચર બટરફલાઈ ગ્રીલની સાથે શાર્પ હેડલેમ્પ અને એલઈડી ડેટાઈમ રનિંગ લાઈટસ છે. તેના બમ્પરની ડિઝાઈન પણ એગ્રેસિવ બનાવવામાં આવી છે જયારે મોટું રુફ ટોપ એસયુવીનો દમદાર લુક આપે છે.