અમદાવાદમાં મોટા પ્રમાણમાં MD ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, જેને લેતા જ કિક વાગે તેવા ડ્રગ્સની યાદીમાં કોકેઇન બાદ હવે એમડી ડ્રગ્સે પણ સ્થાન મેળવ્યું છે. અમદાવાદમાં યુવકોની સાથે યુવતી માટે પણ પાર્ટીમાં ડ્રગ્સ સ્ટેટ્સ સિમ્બોલ ગણાવા લાગ્યું છે, જેને કારણે શ્રીમંત પરિવારનાં યુવક-યુવતીઓ એમડી ડ્રગ્સના રવાડે ચઢી રહ્યાં છે. એમડી ડ્રગ્સના આ કાળા કારોબારમાં ક્યાંક પોલીસના બાતમીદારો, તેના સ્વજનો અને ક્યાંક ખુદ પોલીસ પણ સંડોવાઈ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. નશાનો આ કારોબાર એકદમ એક્યુરેસી અને કોડથી ચાલે છે, જેમાં કરોડો રૂપિયાના વ્યવહાર અને CCTVથી સજ્જ નેટવર્ક સામેલ છે. શહેરમાં ઝીપર, પેક અને દાણાના નામથી એમડી ડ્રગ્સ વેચાય છે તેમજ ગ્રાહક યુવકને શાણા અને ગ્રાહક યુવતીને ચીડિયાના કોડવર્ડથી એમડી ડ્રગ્સ આપવામાં આવે છે. રવિવાર(13 સપ્ટેમ્બર,2020)ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કરોડના એમડી ડ્રગ્સ સાથે પોલીસકર્મી સહિત 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ડ્રગ્સકાંડની એક-એક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં બહાર આવી રહ્યું છે કે કોઈ ઝડપથી રૂપિયા કમાવા તો કોઈ દેવામાં ડૂબી જતાં એમડી ડ્રગ્સની હેરાફેરીમાં જોડાયા છે. આ આખા રેકેટનું કનેક્શન મુંબઈ સુધી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.
જોકે આ પકડાયેલા લોકો તો માત્ર ડ્રગ્સ કેરિયર છે, તેની પાછળ અમદાવાદ અને મુંબઈની એક આખી સર્કિટ કામ કરી રહી છે. એમડી ડ્રગ્સ મેળવવા માટે સૌથી પહેલા રેફરન્સ જરૂરી હોય છે, જે અગાઉ ડ્રગ્સ લેનાર કે સપ્લાયરનો રેફરન્સ આપે છે. ત્યાર બાદ સામાન્ય રીતે શહેરની પોળ જેવી ગલીઓમાં ડ્રગ્સની ડિલિવરી થતી હોય છે. આ ડિલિવરીની એક આખી ચેઈન અને તેના કોડવર્ડ અને ક્વોન્ટિટીની દુનિયામાં ડોકિયું કરીએ તો એમડી ડ્રગ્સની ઝીપર(1 ગ્રામ પાઉડર ફોર્મ), દાણા (ક્રિસ્ટલ ફોર્મ),ચણા( ગ્રાહક યુવક),ચીડિયા( ગ્રાહક યુવતી અથવા રેફરન્સ ) કહેવામાં આવે છે. હાલ અમદાવાદમાં એમડી ડ્રગ્સનું ચલણ આગની જેમ ફેલાઈ રહ્યું છે અને એને પકડવા માટે શહેરની તપાસ એજન્સીઓ સાથે નાર્કોટિક્સ અને સેન્ટ્રલ એજન્સી પણ સક્રિય થઈ છે. મેથિલેનેડિઓક્સી મેથેમ્ફેટેમાઇન (MDMA) એટલે કે MD ડ્રગ્સ એક પ્રકારનું સિન્થેટિક ડ્રગ છે, જે એકાએક મૂડને ઉત્તેજિત કરીને અલગ પ્રકારની રંગીન દુનિયામાં હોવાનો અહેસાસ કરાવે છે. એ સ્ટીમ્યુલન્ટ અને હેલુસિનોજેન્સ એટલે કે મૂડ ઉત્તેજક તરીકેની રાસાયણિક પ્રક્રિયા શરીરમાં ભજવે છે. MDMAને ઈસ્ટેસી અથવા મોલી તરીકે પણ ઓળખવામાં આવે છે. MD ડ્રગ્સ અન્ય માદક દ્રવ્યો જેવા કે કોકેઈનની સરખામણીમાં સસ્તું અને વધુ નશાકારક હોવાનું મનાય છે.