નવી દિલ્હી: રૂ.7,500 થી વધારે ભાડાં ધરાવતી હોટેલ્સે 28 ટકા GST ચૂકવવો પડે છે, જેને પગલે આવી હોટેલ્સના ઓક્યુપન્સીમાં ઘટાડો નોંધાયો છે. Yatra.com, Cleartrip અને Travkart જેવા ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલ્સ જણાવે છે કે, GST લાગુ થયાના એક મહિનામાં લક્ઝરી હોટેલ્સ પર ગંભીર અસર પડી હોવાનું ચિત્ર સામે આવ્યું છે.
GST બાદ દેશભરમાં લક્ઝરી હોટેલની પ્રાથમિકતા પર ગંભીર અસર પડી છે. અમારા ચોમાસુ સરવેમાં જાણવા મળ્યું છે કે, ૫૬ ટકા પ્રવાસીઓએ લક્ઝરી હોટેલ્સને પ્રાધાન્ય આપવાનું ટાળ્યું હતું અને ગ્રાહકો બજેટ હોટેલને વધારે મહત્ત્વ આપી રહ્યા છે. ગ્રાહકોને હવે બજેટ હોટેલ પરવડે છે, જેથી બજેટ હોટેલની ગુણવત્તા સુધરી છે.એમ Yatra.comના COO (B2C) શરત ઢાલે કહ્યું હતું.
Cleartripએ પણ રૂ.7,500 અને તેનાથી વધારે ભાડાં ધરાવતી હોટેલ્સનાં બુકિંગમાં ત્રિમાસિક ધોરણે ઘટાડાનો અનુભવ કર્યો છે. Cleartripના CMO અને પ્રોડક્ટ્સ હેડ સુબ્રમણ્ય શર્મા કહે છે કે, નવા ટેક્સ માળખાની અસરને ઘટાડવા માટે હોટેલ ઇકોસિસ્ટમ ટૂંક સમયમાં રસ્તો શોધી લેશે. જેમ કે, પહેલાં રૂ.7,500થી 8,000ભાડાં વસૂલતી હોટેલ્સ આવા રૂમનાં ભાડાં રૂ.7,500ની નીચે કરી દીધાં છે, જેથી ગ્રાહકોએ 28 ટકા ટેક્સ ભરવો ન પડે.
Travkart.comના સહ-સ્થાપક મનહીર સિંઘ સેઠી કહે છે કે, ટેક્સ વધવાથી એકંદર ખર્ચ વધ્યો છે અને પ્રવાસીઓ હવે થાઇલેન્ડ, શ્રીલંકા, દુબઈ જેવાં આંતરરાષ્ટ્રીય સ્થળોના વિકલ્પો પસંદ કરી રહ્યા છે.
તાજ હોટેલ્સ પેલેસિસ રિસોર્ટ્સ સફારીસના ચીફ રેવન્યુ ઓફિસર ચિન્મય શર્મા કહે છે કે, તેમની કંપનીને GSTની ગંભીર અસરનો સામનો કરવો પડ્યો નથી. GST દેશ માટે સારું પગલું છે ત્યારે અમે MICE સેગમેન્ટ અને પ્રવાસીઓ માટે ભારત એક આકર્ષક પ્રવાસનકેન્દ્ર બને અને ભારતની સ્પર્ધાત્મકતા જળવાઈ રહે તે જરૂરી છે.
ixigoના CEO અને સહ-સ્થાપક આલોક બાજપાઈ કહે છે કે, રૂ.3,000થી 7,500નાં ભાડાં ધરાવતી મિડ-રેન્જના હોટેલ સેગમેન્ટનાં બુકિંગમાં અમે 20 ટકા વધારો નોંધ્યો છે.